મવડી ચોકની બજરંગ ગરબી મંડળમાં બાળાઓ દ્વારા સાહસિક રાસની તૈયારીઓ શરૂ
ટિપ્પણી, મંજીરા, કરતાલ અને ગાગર રાસ સહિત પ્રાચીન ગરબીની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ
- Advertisement -
નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં પ્રાચીન ગરબીઓની પ્રેક્ટિસનો માહોલ જામ્યો છે. શહેરના મવડી ચોક ખાતે આવેલી બજરંગ ગરબી મંડળ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત ગરબીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીનું મુખ્ય આકર્ષણ બાળાઓ દ્વારા રજૂ કરાતો સાહસિક ‘સળગતી ઈંઢોણી રાસ’ રહેશે. આ રાસમાં બાળાઓ માથે ધગધગતી અગ્નિની ઈંઢોણી ધારણ કરીને સતત 20 મિનિટ સુધી અદભુત સંતુલન અને તાલ સાથે ગરબે ઘૂમશે. સળગતી ઈંઢોણી રાસ જેવા જોખમી અને કૌશલ્યપૂર્ણ રાસની રજૂઆત માટે બાળાઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. આ સાહસિક રાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. નવરાત્રી દરમિયાન સ્ટેજ પર આ રાસનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે, જેને નિહાળવા માટે ગરબીપ્રેમીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. બજરંગ ગરબી મંડળ દ્વારા માત્ર સાહસિક રાસ જ નહીં, પરંતુ પ્રાચીન ગરબીની સમૃદ્ધ પરંપરા અને લોકસંસ્કૃતિને જાળવી રાખવાના હેતુથી વિવિધ પરંપરાગત રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટિપ્પણી, મંજીરા, કરતાલ અને ગાગર રાસ જેવી પ્રાચીન લોકકલાઓની મનમોહક રજૂઆત કરવામાં આવશે. પરંપરાગત વાદ્યોના તાલે બાળાઓ દ્વારા રજૂ થનારા આ રાસ ગરબીના માહોલને વધુ જીવંત બનાવશે.




