તેલંગાણાના કૉંગેસી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નિવેદન બાદ હોબાળો
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના ભગવાન રામ અને ભગવાન શિવ અંગે કરેલા નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. સોમવારે એક મીડિયા કાર્યક્રમ દરમિયાન રેવંત રેડ્ડીએ ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય તથા ધાર્મિક ઓળખની સરખામણી કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ દ્વારા ‘જય શ્રીરામ’ના નારા અંગે સવાલ ઉઠાવ્યો હતો. રેવંત રેડ્ડીએ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો દ્રવિડ છે અને ઉત્તર ભારતના લોકો આર્ય છે. તેમણે દાવો કર્યો કે દક્ષિણ ભારતમાં લોકો ભગવાન શિવના ભક્ત છે, જયારે ઉત્તર ભારતમાં ભગવાન રામની ભક્તિ સાથે રાજકીય જોડાણ વધુ જોવા મળે છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે ‘શિવ ગરીબોના ભગવાન છે અને રામ અમીરોના ભગવાન છે.’ જોકે, તેમણે સાથે એવું પણ કહ્યું કે ભગવાન શિવ અને ભગવાન રામ બંને તેમના દેવતા છે. રેવંત રેડ્ડીએ ભાજપના નેતાઓ દ્વારા ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે તેઓ એ જ રીતે ‘હર હર મહાદેવ’નો નારો કેમ નથી લગાવતા. આ કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ લોકસભા બેઠકોના સીમાંકન મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો દાવો છે કે, જો લોકસભાની બેઠકોનું પુનઃવિતરણ મુખ્યત્વે વસ્તીના આધારે કરવામાં આવશે તો દક્ષિણ ભારતનાં રાજ્યોના રાજકીય મહત્વ પર તેની અસર પડી શકે છે. રામ અને શિવની સરખામણીનો સંદર્ભ પણ તેમણે ઉત્તર અને દક્ષિણ ભારતની અલગ રાજકીય તથા સાંસ્કૃતિક ઓળખ સમજાવવા માટે આપ્યો હતો.
રેવંત રેડ્ડીના નિવેદન બાદ ઉત્તર-દક્ષિણની રાજકીય ઓળખ, ભગવાન રામ અને ભગવાન શિવની ભક્તિ તથા સીમાંકન જેવા મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. એક તરફ રેવંત રેડ્ડીએ પોતાના નિવેદન દ્વારા ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય સંસ્કૃતિમાં રહેલા તફાવત તરફ ધ્યાન દોર્યું છે, જ્યારે ભાજપે તેમના નિવેદનને ધાર્મિક અને પ્રાદેશિક વિભાજન સાથે જોડીને વિરોધ કર્યો છે. આ નિવેદનથી બંને પક્ષોના અલગ-અલગ રાજકીય અર્થઘટન સામે આવ્યા છે અને આ મુદ્દે આગામી દિવસોમાં પણ રાજકીય ચર્ચા તેજ થવાની શક્યતા છે.




