ઓક્ટોબર અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો સુપરિન્ટેન્ડેન્ટ પી. ડી. જોશીનો દાવો
વીમા કંપનીઓ પાસેથી ક્લેમ મેળવવા માટે મરણ દાખલો ન મળતા પરિવારો નાણાકીય મુશ્કેલીમાં મુકાયા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના જન્મ-મરણ નોંધણી વિભાગની ઢીલી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ પર રાજકોટ મનપા દ્વારા હજુ સુધી મરણ નોંધણીની આશરે ૪ લાખ જેટલી એન્ટ્રીઓ અપલોડ કરવાની બાકી હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારે ૧ સપ્ટેમ્બર ૨૦૨૫થી આ નવું CRS પોર્ટલ સંપૂર્ણપણે કાર્યરત કર્યું હતું, પરંતુ પોર્ટલ શરૂ થયાને લાંબો સમય વીતવા છતાં મરણ નોંધણીનો આટલો મોટો બેકલોગ જમા રહેતાં સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં વ્યવસ્થા મુજબ વર્ષ ૨૦૨૫ પછીની જન્મ અને મરણની નોંધણીઓ જ માન્ય ગણવામાં આવી રહી છે, જેને કારણે જૂની નોંધ ધરાવતા નાગરિકો અટવાયા છે. જમીન-મકાનના વારસાની કાર્યવાહી તેમજ વીમા કંપનીઓમાં ઈન્સ્યોરન્સ ક્લેમ પાસ કરાવવા માટે સત્તાવાર મરણ પ્રમાણપત્ર અનિવાર્ય દસ્તાવેજ છે. આ ઉપરાંત, આધાર કાર્ડ વિભાગના તાજેતરના જાહેરનામા મુજબ હવે પોર્ટલ વેરિફિકેશન (APK વેરિફિકેશન) વગર આધાર કાર્ડમાં કોઈપણ સુધારા-વધારા શક્ય નથી. પોર્ટલ પર મરણનો ડેટા અપડેટ ન હોવાથી આધાર સંબંધિત અને વારસાઈ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેનાથી અરજદારો કચેરીઓના ધરમધક્કા ખાવા મજબૂર બન્યા છે.
- Advertisement -
આ સમગ્ર મામલે જન્મ-મરણ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ પી. ડી. જોશીએ સ્પષ્ટતા કરી છે કે સમગ્ર રાજ્યમાંથી એકસાથે સેન્ટ્રલ પોર્ટલ પર ડેટા અપલોડ થઈ રહ્યો હોવાથી સર્વર પર ભારે લોડ રહે છે. હાલમાં તંત્ર દ્વારા પ્રાથમિકતાના ધોરણે જન્મની નોંધ પોર્ટલ પર ચડાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે ખાતરી આપતાં જણાવ્યું છે કે મરણની બાકી રહેલી તમામ ૪ લાખ જેટલી નોંધણીઓ ઓક્ટોબર ૨૦૨૬ના અંત સુધીમાં પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે, ત્યારબાદ અરજદારોની તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.




