નિગમ દ્વારા 6 દિવસમાં 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપ્સ અને વિશાળ કાફલો
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ‘ભાદરવી પૂનમ મહામેળા’ને લઈને લાખો માઈભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે રાજ્યભરમાંથી હજારો-લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને મા અંબાના દર્શનાર્થે પહોંચે છે. પગપાળા પહોંચેલા આ તમામ માઈભક્તો દર્શન બાદ કોઈપણ પ્રકારની અગવડ વિના સલામત રીતે પોતાના ઘરે પરત પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રેગ્યુલર બસો ઉપરાંત મોટા પાયે વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.
- Advertisement -
શ્રદ્ધાળુઓને અવરજવરમાં સરળતા રહે તે માટે આ તમામ વિશેષ બસોનું સંચાલન અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજ્યના તમામ મુખ્ય બસ સ્ટેશનો પરથી કરવામાં આવશે. જેથી ગુજરાતના કોઈપણ ખૂણેથી આવતા યાત્રિકોને સીધી અને સરળ બસ સેવા મળી રહેશે. શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષિત મુસાફરી માટે એસ.ટી. નિગમ દ્વારા તારીખ ર૦થી ર૬ સપ્ટેમ્બર દરમિયાન મેગા પ્લાનિંગ કરવામાં આવ્યું છે: ૬૦૦૦ જેટલી વધારાની બસો સેવામાં મૂકવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન અંબાજીથી વિવિધ રૂટ પર ૩૦૦૦૦ જેટલી એક્સ્ટ્રા ટ્રીપ્સનું આયોજન કરાયું છે. વ્યવસ્થા જાળવવા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક, સુપરવાઈઝર અને ઉચ્ચ અધિકારીઓ સહિત ૪૦૦૦થી વધુ કર્મચારીઓ 24×7 ફરજ પર ખડેપગે રહેશે. યાત્રાળુઓને અંબાજી ખાતે કોઈ તકલીફ ન પડે તે માટે નિગમ દ્વારા વિશેષ હંગામી (ટેમ્પરરી) વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મુસાફરોને તડકો કે વરસાદ ન નડે તે માટે વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે શુદ્ધ પીવાના પાણીની સુવિધા તેમજ પૂરતા પ્રમાણમાં શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. સતત માઈક એનાઉન્સમેન્ટ દ્વારા બસોના રૂટ અને સમયની જાણકારી અપાશે તેમજ લાઈનો ટૂંકી રાખવા માટે વધારાની ટિકિટ બારીઓ કાર્યરત કરવામાં આવી છે. પગપાળા ચાલીને થાકેલા શ્રદ્ધાળુઓ દર્શન કર્યા બાદ સકુશળ અને આરામદાયક રીતે પોતાના ઘેર પરત ફરી શકે તે માટે GSRTC તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે.




