25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ માસ્ટર મેન કેટેગરીમાં નેશનલ ક્વોલિફિકેશન સ્કોર મેળવ્યો
પરમરાજસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ શૂટિંગની તાલીમ અને કોચિંગ મેળવ્યું છે
- Advertisement -
રાજકોટના રમતવીરો વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યા છે ત્યારે પિસ્તોલ શૂટિંગ ક્ષેત્રે પણ રાજકોટનું નામ રોશન થયું છે. તાજેતરમાં યોજાયેલી 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ કોમ્પિટિશનમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના શૂટર જય નીતિનભાઈ ઠાકરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સ્પર્ધામાં જય ઠાકરે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલની માસ્ટર મેન કેટેગરીમાં ભાગ લીધો હતો. તેમણે નિશાનબાજીમાં ચોકસાઈ અને કૌશલ્યનું પ્રદર્શન કરતાં નેશનલ ક્વોલિફિકેશન સ્કોર સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સિદ્ધિ સાથે તેમણે આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી છે.
જય ઠાકરની આ સફળતા પાછળ તેમની સતત મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને યોગ્ય માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે પરમરાજસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ શૂટિંગની તાલીમ અને કોચિંગ મેળવ્યું છે. કોચના માર્ગદર્શન સાથે તેમણે ટેકનિક, એકાગ્રતા અને નિશાન સાધવાની ક્ષમતામાં સતત સુધારો કર્યો હોવાનું જાણવા મળે છે. વેસ્ટ ઝોન કક્ષાની પ્રી-નેશનલ સ્પર્ધામાં નેશનલ ક્વોલિફિકેશન સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવવો શૂટિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે. જય ઠાકરની આ સફળતાથી રાજકોટના શૂટિંગ રમતક્ષેત્રમાં પણ નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. જય ઠાકરની સિદ્ધિને લઈને રમતગમત ક્ષેત્રે જોડાયેલા લોકો, પરિવારજનો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે પણ તેઓ વધુ સારા પ્રદર્શન સાથે રાજકોટનું નામ ગૌરવભેર ઉજાગર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નંદની જોટાંગીયાએ યુવા મહિલા કેટેગરીમાં 400માંથી 374નો સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો
રાજકોટની યુવા શૂટર નંદની જોટાંગીયાએ પિસ્તોલ શૂટિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં યોજાયેલી 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ કોમ્પિટિશનમાં નંદનીએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સ્પર્ધામાં નંદની જોટાંગીયાએ યુવા મહિલા કેટેગરીની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તેમણે કુલ 400માંથી 374નો સ્કોર નોંધાવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સતત એકાગ્રતા, નિશાન પર પકડ અને આત્મવિશ્વાસભર્યા પ્રદર્શનના પરિણામે નંદનીએ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. નાની વયથી જ શૂટિંગ જેવી એકાગ્રતા અને ચોકસાઈ આધારિત રમતમાં પોતાની ઓળખ ઉભી કરનાર નંદનીની આ સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.




