બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે મહત્વનો નિર્ણય : ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર
શાળા, હૉસ્પિટલથી ઓનલાઈન દુનિયા સુધી બાળકોની સુરક્ષા માટે ગુજરાતમાં નવું મજબૂત માળખું તૈયાર
- Advertisement -
ગુજરાતના દરેક બાળકને સુરક્ષિત, ગૌરવપૂર્ણ અને અધિકારસભર બાળપણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક
ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વમાં આ નીતિ અમલમાં મુકવામાં આવી છે. રાજપત્રમાં જાહેર થયાની તારીખથી જ નીતિ અમલમાં આવી ગઈ છે. નવી નીતિનો મુખ્ય
ઉદ્દેશ રાજ્યમાં એવું સુરક્ષિત અને સમાનતાપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો છે, જેમાં દરેક બાળક હિંસા, શોષણ, દુર્વ્યવહાર, ઉપેક્ષા અને ભેદભાવથી મુક્ત રહી પોતાની સંપૂર્ણ ક્ષમતાનો વિકાસ કરી શકે. બાળ સુરક્ષાને માત્ર ઘટના
બન્યા બાદની કાર્યવાહી પૂરતી મર્યાદિત રાખવાને બદલે નિવારણ, સમયસર ઓળખ, તાત્કાલિક પ્રતિભાવ, પુનર્વસન અને પુનઃસમાવેશન સાથે જોડવામાં આવી છે. નીતિ તૈયાર કરતા અગાઉ તેના મુસદ્દા અંગે મળેલા
વાંધા-સૂચનોનો પણ વિચાર કરવામાં આવ્યો છે. સાથે જ POCSO નિયમો, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ, બાળલગ્ન પ્રતિબંધ કાયદો, બાળમજૂરી સંબંધિત કાયદા, શાળા સલામતી માર્ગદર્શિકા અને રાષ્ટ્રીય બાળ નીતિ સહિતના
કાયદાકીય તથા નીતિગત માળખાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. સરકારના અભિગમ મુજબ બાળકને માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ શિક્ષણ, આરોગ્ય, સર્વાંગી વિકાસ અને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર પણ મળે તે
સુનિશ્ચિત કરવામાં આવશે.
નીતિમાં ધર્મ, જાતિ, લિંગ, સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ તથા ભૌગોલિક વિસ્તારના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના બાળ સંરક્ષણ સેવાઓનો સમાન લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી
છે. બાળ સંરક્ષણ માટે બાળકનું શ્રેષ્ઠ હિત, સમાનતા, જીવન અને વિકાસનો અધિકાર, બાળકના મતનો આદર, ગૌરવ અને સન્માન, પરિવારનું સશક્તિકરણ, હિંસાથી સુરક્ષા, ગુપ્તતા, જવાબદારી, ભાગીદારી અને સંકલન જેવા
માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે. બાળ દુર્વ્યવહાર અને શોષણ સામે નીતિમાં ‘ઝીરો ટોલરન્સ’નો અભિગમ અપનાવવામાં આવ્યો છે. સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો ઉપરાંત કાયદા સાથે સંઘર્ષમાં
આવેલા બાળકો, દિવ્યાંગ, સ્થળાંતરિત અને અનાથ બાળકોને નીતિ હેઠળ વિશેષ સુરક્ષા આપવામાં આવશે. અનુસૂચિત જાતિ-જનજાતિના બાળકો, વંચિત સમુદાયોના બાળકો, માનવ તસ્કરીથી પ્રભાવિત બાળકો, શેરીમાં રહેતા
બાળકો તેમજ સંસ્થાકીય અને વૈકલ્પિક સંભાળમાં રહેતા બાળકોને પણ વિશેષ પ્રાથમિકતા અપાઈ છે. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર અને આંતરલિંગી બાળકો, HIV/AIDS અથવા લાંબી બીમારીથી પ્રભાવિત બાળકો, કુદરતી આફતથી
અસરગ્રસ્ત બાળકો અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં રહેતા બાળકોને પણ નીતિના દાયરામાં આવરી લેવામાં આવ્યા છે.
નીતિમાં બાળ આરોગ્ય અધિકારને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હૉસ્પિટલ, ક્લિનિક, તબીબો અને આરોગ્ય કર્મચારીઓ લિંગ, જાતિ, દિવ્યાંગતા, ધર્મ, ભાષા, આદિજાતિ, વૈવાહિક સ્થિતિ અથવા અન્ય કોઈ પરિબળના
આધારે બાળકને સારવાર આપવાનો ઇનકાર કે ભેદભાવ કરી શકશે નહીં. બાળકો સાથે સીધો સંપર્ક ધરાવતી સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને બાળ અધિકારો, POCSO, જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ અને અન્ય સંબંધિત
કાયદાઓ અંગે તાલીમ આપવાની રહેશે. બાળકોના સંપર્કમાં આવતા નિયમિત તેમજ કરાર આધારિત કર્મચારીઓ, સ્વયંસેવકો અને અન્ય વ્યક્તિઓની પૃષ્ઠભૂમિની તપાસ તથા જરૂરી પોલીસ વેરિફિકેશન સુનિશ્ચિત કરવાની
રહેશે. બાળકો સાથે અપમાનજનક, હેરાન કરનાર, ભેદભાવપૂર્ણ અથવા જાતીય રીતે અયોગ્ય વર્તન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. બાળક દુર્વ્યવહાર કે શોષણના જોખમમાં હોવાની જાણ હોવા છતાં યોગ્ય કાર્યવાહી
ન કરવી પણ ગંભીર બાબત ગણાશે. નીતિનું પાલન ન કરનાર સંસ્થા કે વ્યક્તિ સામે સેવા નિયમો, વિભાગીય નિયમો, કરારની શરતો તથા લાગુ કાયદા મુજબ વહીવટી, શિસ્તભંગના, કરાર આધારિત અથવા કાનૂની પગલાં
લેવામાં આવી શકશે. નીતિના અમલીકરણની વાર્ષિક સમીક્ષા રાજ્યના મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે, જ્યારે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી અમલવારી પર દેખરેખ રાખશે. નીતિની પ્રગતિ અને પરિણામોનું
મૂલ્યાંકન દર ત્રણ વર્ષે અથવા જરૂર જણાય તો તે પહેલાં પણ કરવામાં આવશે.
- Advertisement -
શાળા, હૉસ્પિટલ અને જાહેર સ્થળો બનશે બાળ-સુરક્ષિત
બાળકો જ્યાં રહે છે, અભ્યાસ કરે છે, સારવાર મેળવે છે કે સેવાઓ મેળવે છે તે તમામ સ્થળોને વધુ સુરક્ષિત બનાવવાનો નીતિમાં અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેના ભાગરૂપે બાળ-સુરક્ષિત શાળાઓ, આરોગ્યસંભાળ
સુવિધાઓ, બાળ સંભાળ સંસ્થાઓ, કાર્યસ્થળો, ડિજિટલ વાતાવરણ અને જાહેર સ્થળોને પ્રોત્સાહન આપવામાં આવશે. બાળક મુશ્કેલીમાં મુકાય ત્યારે તેને માત્ર તાત્કાલિક મદદ નહીં, પરંતુ પરામર્શ, બાળ-સંવેદનશીલ ન્યાય,
પુનઃપ્રાપ્તિ, પુનર્વસન અને પુનઃસમાવેશન જેવી સેવાઓ મળી રહે તે માટે સંકલિત પ્રતિભાવ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. માનસિક આરોગ્ય અને મનોસામાજિક સહાય સેવાઓને પણ તેમાં મહત્વ આપવામાં આવ્યું છે.
સાયબર જોખમો સામે પણ સુરક્ષા
ડિજિટલ યુગમાં બાળકો સામે ઊભા થતા નવા પડકારોને ધ્યાનમાં રાખીને નીતિમાં ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડાયેલા સાયબર જોખમો સામે નિવારણ અને પ્રતિભાવ વ્યવસ્થા મજબૂત
કરવાની જોગવાઈ છે. એટલે બાળ સુરક્ષાનો વ્યાપ હવે ઘર, શાળા કે જાહેર સ્થળો પૂરતો નહીં રહે, પરંતુ બાળકની ડિજિટલ દુનિયા સુધી વિસ્તરશે.
દરેક વિભાગે વાર્ષિક અમલીકરણ યોજના બનાવવી પડશે
નીતિના અસરકારક અમલ માટે સંસ્થાકીય માળખું પણ નક્કી કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ નોડલ વિભાગ તરીકે અમલીકરણનું સંકલન, માર્ગદર્શિકા, દેખરેખ અને વાર્ષિક સમીક્ષા કરશે. દરેક
સરકારી વિભાગે નીતિને અનુરૂપ પોતાની વાર્ષિક અમલીકરણ યોજના તૈયાર કરવાની રહેશે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષની અંદર સંબંધિત વિભાગોએ જરૂરી કાર્યકારી માર્ગદર્શિકા અને પ્રોટોકોલ તૈયાર કરવાના રહેશે.
શંકા જણાય તો 1098/112 અથવા પોલીસને જાણ કરવી પડશે
બાળકો સાથે પ્રત્યક્ષ કામ કરતા શિક્ષકો, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, સલાહકારો અને અન્ય વ્યાવસાયિકોને બાળકની સુરક્ષા અંગે કોઈ ચિંતા જણાય તો જરૂરી જાણ અને કાર્યવાહી કરવી પડશે. બાળ દુર્વ્યવહાર, જાતીય
શોષણ, બાળલગ્ન, બાળમજૂરી, માનવ તસ્કરી, ઑનલાઇન દુર્વ્યવહાર, ભેદભાવ, ત્યાગ અથવા ઉપેક્ષાની શંકા જણાય ત્યારે CHILD HELPLINE 1098/112, પોલીસ અથવા બાળ કલ્યાણ સમિતિને જાણ કરવાની જોગવાઈ છે.
ફરિયાદ અથવા માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
50થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં ક્રેચ ફરજિયાત
નીતિમાં કામકાજી માતાઓ અને નાના બાળકો માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓએ કર્મચારીઓના બાળકો માટે ક્રેચ અથવા મોબાઇલ ક્રેચની સુવિધા પૂરી પાડવાની
રહેશે. અન્ય સંસ્થાઓએ પણ શિશુ ધરાવતી માતાઓ માટે યોગ્ય બાળ સંભાળની જગ્યા અને સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે. જાહેર સ્થળોએ બાળકો માટે અનુકૂળ ઝોન તેમજ માતાઓ માટે શિશુ સંભાળની સુરક્ષિત જગ્યાઓ
વિકસાવવાની જોગવાઈ પણ નીતિમાં કરવામાં આવી છે.
સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી
‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’નો સૌથી મહત્વનો પાસો એ છે કે બાળ સુરક્ષાને માત્ર સરકારની જવાબદારી તરીકે નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી તરીકે જોવામાં આવી છે. સ્થાનિક સંસ્થાઓ, NGO,
નાગરિક સમાજ, કોર્પોરેટ અને વેપારી ગૃહો, ઉદ્યોગો, મીડિયા, ધાર્મિક સંસ્થાઓ, બાળ સંભાળ સંસ્થાઓ તેમજ બાળકોના સીધા કે પરોક્ષ સંપર્કમાં આવતી વ્યક્તિઓને પણ તેની જવાબદારીના દાયરામાં લાવવામાં આવ્યા છે.
પરિવારથી લઈને શાળા, હૉસ્પિટલથી બાળ સંભાળ સંસ્થા, ઉદ્યોગોથી મીડિયા અને જાહેર સ્થળોથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ સુધી દરેક ક્ષેત્રમાં બાળ સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો આ પ્રયાસ છે. બાળકનું શ્રેષ્ઠ હિત, ગૌરવ,
સમાનતા, સુરક્ષા અને સર્વાંગી વિકાસ કેન્દ્રસ્થાને રાખીને ગુજરાતે સુરક્ષિત બાળપણ તરફ એક વ્યાપક નીતિગત પગલું ભર્યું છે.




