યાંત્રિક સમિતિની NOC ન મળતાં ચકડોળ શરૂ ન થઈ શક્યું : ત્રણ સભ્યોના રિપોર્ટ બાદ રાઇડ્સ શરૂ થવાની શક્યતા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક યોજાતા સુપ્રસિદ્ધ તરણેતર લોકમેળાનો વરસાદી માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ થયો હતો. જોકે, યાંત્રિક સમિતિની NOC ન મળતાં મેળામાં ચકડોળ સહિતની રાઇડ્સ શરૂ થઈ શકી નહોતી. ચોટીલા નાયબ કલેક્ટરના ચાર્જમાં રહેલા લીંબડી પ્રાંત અધિકારી સહિત ત્રણ સભ્યો દ્વારા કરવામાં આવનાર રિપોર્ટ બાદ રાઇડ્સ શરૂ કરવાની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવશે. વરસાદી માહોલને કારણે મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમના બદલે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સ્થાનિક ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, કલેક્ટર જી.એચ. સોલંકી અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી મેળાને વિધિવત ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખરે બાવન ગજની ધજા પણ અર્પણ કરવામાં આવી હતી.
- Advertisement -
15 પ્લોટમાં રાઇડ્સને ગ્રહણ
તરણેતર મેળામાં 15 પ્લોટમાં નાની-મોટી યાંત્રિક રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, જરૂરી NOCના અભાવે પ્રથમ દિવસે ચકડોળ સહિતની રાઇડ્સ શરૂ થઈ શકી નહોતી. યાંત્રિક સમિતિના નિરીક્ષણ અને ત્રણ સભ્યોના રિપોર્ટ બાદ રાઇડ્સને મંજૂરી મળવાની શક્યતા છે.
220 પશુઓએ પશુ હરિફાઈમાં લીધો ભાગ
મેળાના પ્રથમ દિવસે પરંપરાગત પશુ હરિફાઈનો પણ પ્રારંભ થયો હતો. આ વર્ષે પશુ હરિફાઈમાં કુલ 220 પશુઓએ ભાગ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોનું આયોજન
તરણેતર મેળા દરમિયાન યોજાનાર ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે 100 મીટર, 200 મીટર અને 800 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક તેમજ 4×100 મીટર રિલે દોડ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 વર્ષના બાળકો માટે ભાઈઓ અને બહેનોની 9 ખેલાડીઓની ટીમની લંગડી સ્પર્ધા પણ યોજાવાની હતી, જોકે પ્રથમ દિવસે મુખ્યત્વે ગોળાફેંકની સ્પર્ધા યોજાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે પણ તરણેતર લોકમેળાની શરૂઆત થતાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ, વેપારીઓ અને ગ્રામ્ય રમતવીરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.




