ડયુઓમાં 7.6 ઇંચની વિશાળ સ્ક્રીન અને ટાઇટેનિયમ ફ્રેમ; 18 પ્રો મેક્સમાં 30 કલાક સુધીનું દમદાર બેટરી બેકઅપ
વૈશ્વિક ટેક દિગ્ગજ એપલે કેલિફોર્નિયા ખાતે યોજાયેલી વિશેષ લોન્ચિંગ ઇવેન્ટમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘આઇફોન ડયુઓ’ સત્તાવાર રીતે લોન્ચ કર્યો છે. આ ઉપરાંત કંપનીએ તેની નવી ફ્લેગશિપ સિરીઝ આઇફોન ૧૮ પ્રો, આઇફોન ૧૮ પ્રો મેક્સ, એપલ વોચ સિરીઝ ૧૨ અને એરપોડ્સ ૫ પણ રજૂ કર્યા છે. એપલના જણાવ્યા અનુસાર, આઇફોન ડયુઓ બંધ સ્થિતિમાં પાસપોર્ટ સાઇઝનો બની જાય છે, જેમાં બહારની તરફ ૫.૪ ઇંચનું ડિસ્પ્લે છે. જ્યારે તેને અનફોલ્ડ કરવામાં આવે ત્યારે તે ૭.૬ ઇંચની સુપર રેટિના XDR પેનલમાં ફેરવાઈ જાય છે, જે કોઈપણ આઇફોનમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્પ્લે છે. એરોસ્પેસ-ગ્રેડ ટાઇટેનિયમ ફ્રેમ અને વેરિયેબલ-ટોર્ક હિન્જ સાથે નિર્મિત આ ફોન સ્ટાર વ્હાઇટ અને નાઇટ સ્કાય એમ બે કલરમાં મળશે. તેમાં ૨ નેનોમીટર ટેક્નોલોજી પર આધારિત શક્તિશાળી A20 પ્રો ચિપસેટ અને નવું iOS ૨૭ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં આ ડિવાઇસ પર એપલ પેન્સિલનો સપોર્ટ પણ ઉપલબ્ધ કરાવાશે. બીજી તરફ, આઇફોન ૧૮ પ્રો અને પ્રો મેક્સમાં અત્યાર સુધીનું સૌથી લાંબુ બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે. એક સિંગલ ચાર્જમાં ૧૮ પ્રો ૨૪ કલાક અને પ્રો મેક્સ ૩૦ કલાક ચાલશે તેમજ માત્ર ૧૫ મિનિટમાં ૫૦ ટકા ચાર્જ થઈ જશે. બંને પ્રો મોડલ્સમાં વેરિયેબલ અપર્ચર સાથે ૪૮ મેગાપિક્સલના ત્રણ રિયર કેમેરા અને ૧૮ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. હેવી ગેમિંગ દરમિયાન ફોનને ઠંડો રાખવા માટે ત્રણ ગણી મોટી વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ અપાઈ છે. આઇફોન ૧૮ પ્રોની શરૂઆતની કિંમત ૧,૧૯૯ (256GB) અને પ્રો મેક્સની કિંમત ૧,૨૯૯ રાખવામાં આવી છે, જેમાં પહેલીવાર 2TB સ્ટોરેજનો વિકલ્પ પણ મળશે.
- Advertisement -
એરપોડ્સ-5 અને વોચ સિરીઝ 12
એપલે ૧૨૯ના એન્ટ્રી-લેવલ એરપોડ્સ ૫માં એક્ટિવ નોઈઝ કેન્સિલેશન આપ્યું છે, જ્યારે નવી વોચ સિરીઝ ૧૨ માં બાયોલોજિકલ ઉંમર દર્શાવતું એઆઈ આધારિત ‘હેલ્થ એજ’ ફીચર ઉમેરાયું છે.
આઇફોન 18 સિરીઝનું પ્રી-બુકિંગ 12 સપ્ટેમ્બરથી
રિપોર્ટ્સ અનુસાર, આજે લોન્ચ થનારા આઇફોન ૧૮ પ્રો સહિતના તમામ નવા પ્રોડક્ટ્સનું પ્રી-ઓર્ડર બુકિંગ શનિવાર, ૧૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. જે ગ્રાહકો આ નવી સિરીઝને સૌથી પહેલા ખરીદવા માંગે છે, તેઓ શનિવારથી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને પસંદગીના સ્ટોર્સ દ્વારા પોતાનો ફોન બુક કરી શકશે.
ભારતમાં શરૂઆતી કિંમત રૂ.2.20 લાખ હોઈ શકે
એપલે શરૂઆતમાં અમેરિકામાં તેની કિંમત લગભગ ૧,૯૯૯ ડોલર રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ તાજેતરના મહિનાઓમાં કંપનીએ ૨,૧૯૯ ડોલર સુધીની કિંમત પર પણ વિચાર કર્યો છે. વધુ સ્ટોરેજવાળા કેટલાક મોડેલની કિંમત લગભગ ૩,000 ડોલર સુધી પહોંચી શકે છે. ભારતમાં લગભગ ₹૨.૨૦ લાખ હોઈ શકે છે અને પ્રો મોડેલનો સૌથી મોંઘો આઇફોન ૩ લાખથી વધુનો હોઈ શકે છે.




