ભારતીય રિઝર્વ બેંકના ઓગસ્ટના માસિક અહેવાલમાં જણાવ્યા અનુસાર
પશ્ચિમ એશિયા સંઘર્ષ અને નબળા ચોમાસાની અસરની આશંકા
- Advertisement -
દેશમાં મોંઘવારીનું દબાણ હવે માત્ર ખાંડના ભાવવધારા પૂરતું સીમિત રહ્યું નથી. ઓગસ્ટ મહિનામાં અનેક આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાતા સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર વધુ ભાર પડવાની સ્થિતિ
સર્જાઈ છે. ભારતીય રિઝર્વ બેંકના ઓગસ્ટના માસિક અહેવાલમાં જણાવ્યા અનુસાર, 1થી 21 ઓગસ્ટ દરમિયાન જુલાઈના સમાન સમયગાળાની સરખામણીમાં ડુંગળીના ભાવમાં સૌથી વધુ 11 ટકાનો વધારો નોંધાયો છે. આ
ઉપરાંત ચોખા, ઘઉં, વિવિધ કઠોળ અને ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે. આરબીઆઈના વિશ્લેષણ મુજબ હવામાનની અનિશ્ચિતતા અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પુરવઠા વ્યવસ્થા પર દબાણ
વધ્યું છે. પરિવહન, ઊર્જા અને કાચા માલના ખર્ચમાં વધારો થવાથી તેની સીધી અસર ખાદ્ય સહિતની વિવિધ ચીજવસ્તુઓના ભાવ પર જોવા મળી રહી છે.
શાકભાજી વર્ગમાં ડુંગળીના ભાવમાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે. ઓગસ્ટ દરમિયાન ડુંગળી 11 ટકા મોંઘી થઈ છે. બીજી તરફ બટાકાના ભાવમાં આ સમયગાળા દરમિયાન થોડી નરમાઈ જોવા મળી છે. જોકે, ડુંગળી અને
ખાંડના સતત વધતા ભાવને કારણે ઘરેલું બજેટ પર ખાસ અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાંડના ભાવમાં પણ સતત ચડાવ જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક વિસ્તારોમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો 70 રૂપિયાથી પણ
વધુ પહોંચી ગયો હોવાનું જણાવાઈ રહ્યું છે. રોજબરોજના ભાવમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો અને વેપારીઓ બંને માટે અનિશ્ચિતતા વધી છે. અનાજ અને કઠોળના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ઓગસ્ટમાં ચોખાના ભાવમાં
2.1 ટકાનો વધારો થયો છે, જ્યારે ઘઉં 0.6 ટકા મોંઘું થયું છે. કઠોળની વાત કરીએ તો ચણા દાળના ભાવમાં એક ટકાનો વધારો થયો છે. તુવેર દાળ 0.5 ટકા અને મગ દાળ 0.4 ટકા મોંઘી થઈ છે. દાળ-કઠોળ ભારતીય
પરિવારોના દૈનિક આહારમાં મહત્વનો હિસ્સો ધરાવતા હોવાથી ભાવવધારાની સીધી અસર ઘરેલુ ખર્ચ પર પડવાની શક્યતા છે.
ખાદ્ય તેલના બજારમાં પણ ભાવવધારાની અસર જોવા મળી છે. આરબીઆઈના આંકડા મુજબ સરસવનું તેલ 1.6 ટકા, મગફળીનું તેલ એક ટકા, જ્યારે સૂર્યમુખી તેલ અને પામ તેલના ભાવમાં 0.9 ટકાનો વધારો થયો છે. ખાદ્ય
તેલની કિંમતોમાં વધારો થતાં રસોડાના માસિક બજેટમાં વધુ ખર્ચ ઉમેરાવાની સ્થિતિ ઊભી થઈ છે. આરબીઆઈએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને પણ મોંઘવારી માટે મહત્વનું જોખમ ગણાવ્યું છે. સંઘર્ષના કારણે
ઊર્જાના ભાવ અને વૈશ્વિક પુરવઠા વ્યવસ્થા પર દબાણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થાય તો તેની અસર ભારતમાં પણ જોવા મળે છે. બળતણ અને કાચા માલના ભાવ વધવાથી પરિવહન
તથા ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે. પરિણામે માલને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનો ખર્ચ વધે છે અને અંતે તેનો બોજ ગ્રાહકો સુધી પહોંચે છે. આ પરિસ્થિતિ ખાદ્ય ચીજવસ્તુઓ સહિત અન્ય આવશ્યક વસ્તુઓના
ભાવને પણ અસર કરી શકે છે.
- Advertisement -
વિશ્વભરમાં વધતા સશસ્ત્ર સંઘર્ષો વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ પણ વૈશ્વિક ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સુરક્ષા પરિષદની ‘ફૂડ અંડર ફાયર’ ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે
યુદ્ધ અને સંઘર્ષની અસર હવે માત્ર સંઘર્ષગ્રસ્ત દેશો પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ વૈશ્વિક ખાદ્ય પુરવઠા વ્યવસ્થા પર પણ તેની અસર પડી રહી છે. યુદ્ધ, આર્થિક પ્રતિબંધો અને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાં અવરોધ ઊભો
થવાથી ખાદ્ય પદાર્થો, બળતણ અને ખાતરોના ભાવમાં વધારો થઈ શકે છે અને ઉપલબ્ધતા પણ ઘટી શકે છે. ગુટેરેસે હોર્મુજ જળમાર્ગનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે વિશ્વના તેલ પુરવઠાનો નોંધપાત્ર હિસ્સો તથા વૈશ્વિક
ખાતર વેપારનો લગભગ એક તૃતિયાંશ હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. તેથી અહીં કોઈ મોટો વિક્ષેપ સર્જાય તો તેની અસર વિશ્વના અનેક દેશોમાં જોવા મળી શકે છે.
નબળું ચોમાસું પણ ચિંતાનું કારણ
આરબીઆઈએ નબળા અને અસમાન ચોમાસા ઉપરાંત અલ નીનોની સ્થિતિને પણ કૃષિ તથા ગ્રામીણ માંગ માટે જોખમરૂપ ગણાવી છે. વરસાદની અનિશ્ચિતતા પાક ઉત્પાદનને અસર કરી શકે છે. જો વરસાદ અપેક્ષા મુજબ નહીં
થાય તો કૃષિ ઉત્પાદન અને ખાદ્ય ચીજવસ્તુઓની ઉપલબ્ધતા પર તેની અસર પડી શકે છે, જેના કારણે આગામી મહિનાઓમાં ખાદ્ય મોંઘવારીનું દબાણ વધુ રહેવાની શક્યતા છે.
મોંઘવારી અંગે આરબીઆઈનું અનુમાન
કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન છૂટક મોંઘવારીનો દર સરેરાશ પાંચ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ત્રિમાસિક ધોરણે બીજા ત્રિમાસિકમાં મોંઘવારી 4.7 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 5.9 ટકા અને ચોથા
ત્રિમાસિકમાં 5.5 ટકા રહેવાનું અનુમાન છે. આ પરિસ્થિતિને જોતા આગામી મહિનાઓમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ, ચોમાસાની સ્થિતિ, વૈશ્વિક ઊર્જા બજાર તથા પશ્ચિમ એશિયાના સંઘર્ષની દિશા મોંઘવારી માટે મહત્વપૂર્ણ
પરિબળ બની રહેશે. જો પુરવઠા વ્યવસ્થામાં વધુ વિક્ષેપ સર્જાય અથવા વરસાદની સ્થિતિ નબળી રહે તો ગ્રાહકોને આવશ્યક ખાદ્ય સામગ્રી માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે.
ખાંડના ભાવ ગગડીને 51 રૂપિયા કિલોએ પહોંચ્યા
દેશમાં ખાંડના વધતા ભાવ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કડક નીતિગત પગલાંની અસર હવે બજારમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. દેશના વિવિધ ભાગોમાં ખાંડના ભાવમાં નરમ વલણ નોંધાયું છે.
છેલ્લાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં છૂટક બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં મિલ સ્તરે ખાંડનો ભાવ જે વધીને 62 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો, તે ઘટીને હવે
51થી 52 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે આવી ગયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જથ્થાબંધ અને મિલ સ્તરે આવેલી આ નરમાઈની સીધી અસર આગામી 3થી 5 દિવસમાં છૂટક બજાર પર જોવા મળશે, જેનાથી
સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળશે. આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા અને ભાવ નિયંત્રણમાં રાખવા સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, જેથી
આવનારા સપ્તાહોમાં ભાવ વધુ સ્થિર અને સસ્તા થવાની સંભાવના છે.




