ક્રાઇમ બ્રાન્ચનો દેશવ્યાપી પર્દાફાશઃ 7 રાજ્યમાં નેટવર્ક, 9 કરોડનું રેકેટ અને 17 દલાલની ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કેન્સરની મોંઘી દવાઓની કાળાબજારી અને નકલી દવાઓ વેચવાના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. દર્દીઓ દિલ્હીના બ્લેક માર્કેટમાંથી જે ‘એવાલુમેબ’ (Avelumab) ઇંજેક્શન આશરે એક-એક લાખ રૂપિયામાં ખરીદી રહ્યા હતા, તેમાં દવાની જગ્યાએ માત્ર પાણી ભરેલું હતું. ઉત્પાદક કંપની દ્વારા જર્મનીની ‘મર્ક લેબ’માં તપાસ કરાવતા સામે આવ્યું કે આ ઇંજેક્શનમાં કેન્સર સામે લડતો મૂળ ઘટક (ઇંગ્રીડિયન્ટ) બિલકુલ ગાયબ હતો. આ સિવાય રાજસ્થાન સરકારની યોજના હેઠળ કેન્સરના દર્દીઓ માટે મફત અપાતી સરકારી દવાઓ પણ ગેરકાયદેસર રીતે બ્લેક માર્કેટમાં વેચાઈ રહી હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઇમ બ્રાન્ચે ૨૦ ઓગસ્ટના રોજ દેશના ૭રાજ્યોમાં ફેલાયેલા આશરે ૯ કરોડ રૂપિયાના આ નેટવર્ક પર દરોડા પાડયા હતા. આ કૌભાંડમાં સામેલ ૧૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. દરોડા દરમિયાન પોલીસને ૫૮૮ ભરેલા એન્ટી-કેન્સર વાયલ (શીશીઓ), ૬ ખાલી વાયલ, ૭ ખાલી બોક્સ, અન્ય દવાઓના ૩૦૨૧ યુનિટ અને રૂ. ૫૦ લાખની રોકડ રકમ મળી આવી છે. આ દરોડામાં ડાર્જાલેક્સ, ઇમફિંજી, એરબિટક્સ, ઓપડાઇટા, કીટૂડા જેવી અત્યંત મોંઘી કેન્સરની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગનું નેટવર્ક દિલ્હી-NCR, મુંબઈ, હૈદરાબાદ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હતું. આ દવાઓને કોઈ પણ કાયદેસરના બિલ, લાયસન્સ કે ખરીદ રેકોર્ડ વગર ઘરોમાં રાખવામાં આવતી હતી. જૂના અને અસલી બોક્સ પરથી કલર અથવા એસીટોન જેવા કેમિકલથી જૂનો બેચ નંબર અને MRP ભૂંસી નાખી નવું પેકિંગ તૈયાર કરવામાં આવતું હતું.
આ રેકેટમાં નોઇડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ઝજ્જર, ફરીદાબાદ, મુંબઈ અને હૈદરાબાદના લોકો પણ સામેલ હતા. આરોપી ડો. મનીષ શર્માની ધરપકડ બાદ હવે પોલીસનું ધ્યાન એ બાબત પર છે કે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશભરમાં નકલી કેન્સરની દવાઓ ક્યાં સુધી પહોંચાડવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર સપ્લાય ચેઈન અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.




