આજે સુરત સહિત ૭ જિલ્લામાં ભારે વરસાદનું ઑરેન્જ એલર્ટ
વડોદરામાં 31 જુલાઇએ રેડ એલર્ટથી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર
- Advertisement -
ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આજરોજ 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજ રોજ (30 જુલાઈ) સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં 1 મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1.06 અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
31 જુલાઈએ અમદાવાદ અને વડોદરામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમદાવાદ અને વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામને સુરક્ષિત રહેવા અપીલ કરી છે. આજે 30 જુલાઈએ જ મોડી રાતથી વડોદરા શહેર-જિલ્લા પર વરસાદનું સંકટ છે.
- Advertisement -
હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોનસૂન ટ્રફ, 3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. આજે (30 જુલાઈ) દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત 1 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે મુશળધાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.




