2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક યજમાનીના સપનાઓ વચ્ચે કેન્દ્રીય રમતગમત મંત્રાલયનો ધડાકો
હર્ષ સંઘવી કોમનવેલ્થ અને ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત, રમતવીરો નશાના માર્ગે
- Advertisement -
છેલ્લા ત્રણ વર્ષમાં ડોપિંગ પરીક્ષણોમાં ગુજરાતના કુલ 13 રમતવીરો પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરતા ઝડપાયા
ગુજરાતના રમતજગત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મેડલ જીતવાની મહત્ત્વાકાંક્ષા અને સ્પર્ધાત્મક દબાણ વચ્ચે કેટલાક ખેલાડીઓ પ્રતિબંધિત નશીલી દવાઓનો સહારો લઈ રહ્યા હોવાનું ડોપ ટેસ્ટમાં બહાર આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન થયેલા ડોપિંગ પરીક્ષણોમાં ગુજરાતના કુલ 13 રમતવીરો પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી તેમજ રમતગમત તંત્રને હચમચાવી દીધું છે.
મળતી માહિતી મુજબ, દોડ, લાંબી કૂદ અને વેઇટલિફ્ટિંગ જેવી વધુ શારીરિક ક્ષમતા અને શક્તિની જરૂરિયાત ધરાવતી રમતોમાં ડોપિંગના કેસો વધુ નોંધાયા છે. મેડલ જીતવા માટે કેટલાક ખેલાડીઓ શરીરની કુદરતી ક્ષમતાથી વધુ પ્રદર્શન કરવા પ્રતિબંધિત ઇન્જેક્શન, ગોળીઓ અને અન્ય પ્રદર્શન વધારતી દવાઓનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
કેન્દ્રીય રમતગમત મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કરે છે કે નહીં તેની ખાતરી કરવા માટે નિયમિત ડોપ ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેશભરમાં કુલ **682 ખેલાડીઓના ડોપ ટેસ્ટ** કરવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા છ મહિનામાં થયેલા ગુપ્ત ડોપિંગ ટેસ્ટ દરમિયાન પણ બે ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 13 ખેલાડીઓના કેસોએ રાજ્યના રમતગમત ક્ષેત્રમાં ગંભીર ચર્ચા જગાવી છે.
ડોપિંગ માટે ખેલાડીઓ મુખ્યત્વે એવી દવાઓનો ઉપયોગ કરે છે જે સ્નાયુઓનો ઝડપી વિકાસ કરે, શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે, થાક ઘટાડે અને નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરીને ત્વરિત ઊર્જા અને સ્ફૂર્તિ આપે. કેટલીક દવાઓ વજન ઘટાડવા તેમજ યુરિન ટેસ્ટમાં પ્રતિબંધિત પદાર્થો ઝડપાઈ ન જાય તે માટે પણ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું નિષ્ણાતો જણાવે છે.
આ સમગ્ર ઘટનાએ રમતગમત વિભાગની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. એક તરફ ગુજરાત સરકાર અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહી છે અને 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યના ખેલાડીઓ ડોપિંગના કેસોમાં ઝડપાઈ રહ્યા હોવાથી ગુજરાતની રમતગમત ક્ષેત્રની પ્રતિષ્ઠા પર અસર થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
રમતવિશ્વ સાથે સંકળાયેલા વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ખેલાડીઓને પ્રતિબંધિત દવાઓ અંગે યોગ્ય માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને જાગૃતિ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. રમતગમત વિભાગ દ્વારા પાયાના સ્તરે ખેલાડીઓને કયા સપ્લિમેન્ટ્સ સલામત છે અને કઈ દવાઓ પ્રતિબંધિત છે તે અંગે વધુ અસરકારક શિક્ષણ અને મોનિટરિંગની જરૂરિયાત અનુભવાઈ રહી છે.
હાલમાં દોષિત ખેલાડીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે અથવા તેમના પર કેટલા સમયનો પ્રતિબંધ મૂકવામાં આવશે તે અંગે સરકાર કે રમતગમત મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, ડોપિંગના આ કેસોએ રમતગમતમાં સ્વચ્છ સ્પર્ધા, ખેલાડીઓના આરોગ્ય અને રાજ્યની પ્રતિષ્ઠા અંગે ગંભીર ચર્ચા શરૂ કરી છે.
ખેલાડીઓ પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ કેમ કરે છે?
સ્નાયુઓનો વિકાસ ઝડપી કરવા અને તાકાત વધારવા માટે.
ફેફસા અને લોહીમાં ઓક્સિજન વધારી થાક ગાયબ કરવા માટે.
નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી ત્વરિત સ્ફૂર્તિ લાવવા.
વજન ઓછું કરવા, યુરિન ટેસ્ટમાં ડ્રગ્સ પકડાય નહીં તે માટે.
ગુજરાતમાં ડોપ ટેસ્ટમાં પોઝિટિવ રિપોર્ટ
વર્ષ 2024, 6 પોઝિટિવ કેસ
વર્ષ 2025, 5 પોઝિટિવ કેસ
વર્ષ 2026, 2 પોઝિટિવ કેસ




