શિક્ષણ સમિતિનાં ચેરમેને તત્કાલિન શહેર ભાજપ પ્રમુખ સાથે મળીને દિલથી રૂપિયા બનાવ્યા
જે શાળા મર્જ કરવા પાત્રા હોય, સંખ્યા પર્યાપ્ત ન હોય તેનાં બિલ્ડિંગ પણ નવા બનાવાયા
- Advertisement -
ચેરમેન વિક્રમ પૂજારા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને વર્તમાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવેની ત્રિપુટી મળી રાજકોટમાં ૪૦થી ૫૦ નવી પ્રાથમિક શાળા બાંધકામ કરી મોટી મલાઈ તારવી લીધાની ચર્ચા ચોમેર થઈ રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શાળાના બાંધકામ અને નવી બિલ્ડિંગો બનાવવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે એક સામાજિક કાર્યકર દ્વારા છેક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. રજૂઆતમાં જણાવાયું છે કે જે શાળાઓમાં ૧૦૦ વિદ્યાર્થીઓ પણ ભણવા આવતા નથી ત્યાં કાગળ પર ૩૦૦થી ૪૦૦ વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા બતાવીને નવી બિલ્ડિંગો મંજૂર કરાવવામાં આવે છે.
માત્ર ૧૦થી ૧૫ વર્ષ જૂની અને સારી સ્થિતિમાં હોય તેવી બિલ્ડિંગોમાં નાનું-મોટું રિનોવેશન કરવાને બદલે, સિવિલ એન્જિનિયરના કોઈ પણ લેખિત રિપોર્ટ વગર આખી બિલ્ડિંગો પાડી નાખીને નવી બનાવવાની જાહેરાતો કરવામાં આવે છે. એક નવી સરકારી શાળા પાછળ અંદાજે ₹૩ થી ₹૫ કરોડનો ખર્ચ થાય છે. છેલ્લા ૩ વર્ષમાં રાજકોટમાં આવી ૪૫ થી ૫૦ જેટલી નવી શાળાઓ/ક્લાસરૂમ નિર્માણ કરવામાં આવી છે, જેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, એક નવી શાળા ₹૩થી ₹૫ કરોડમાં તૈયાર થતી હોય છે જેમાં શાળા બાંધકામ માટે મનપામાં મંજૂરી માટે ફાઈલ મૂકવી પડે છે અને દરેક પ્રક્રિયા ત્યાંથી કરવામાં આવે છે અને છેલ્લે બાંધકામનું ટેન્ડર પણ મનપા કરે છે. માટે બહુ બધા અધિકારીઓ અને નેતાઓ પાસેથી ફાઈલ પસાર કરવી પડે છે એટલે પોતાને કોઈ ખાસી એવી મલાઈ મળતી ન હોવાથી શાળા બાંધકામ ફાઈલ SSAથી પાસ કરવાનું ચાલુ કર્યું છે. માટે મનપાની આખી ચેનલ જ બાદ થઈ જાય અને સમિતિના સભ્યોનો રોલ પણ નાબૂદ થઈ જાય. SSAથી બાંધકામ ફાઇનલ કરવા રાજકોટમાંથી SSAનો એન્જિનિયર અને ચેરમેન બે જણા જ નિર્ણય કરનાર હોય છે માટે પૂજારાએ તેનો ભરપૂર લાભ ઉઠાવી પોતાના નવા મકાનનો ખરચો બારોબાર કાઢી લીધો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
- Advertisement -
સમિતિના વર્તમાન સભ્યોનો સંપર્ક કરતા તેમના મારફત ચોંકાવનારી હકીકતો સામે આવી કે, જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી અને બંધ કરી બીજી શાળામાં મર્જ કરવાના પત્રો થઈ ગયા છે તેવી શાળાઓ પણ જમીનદોસ્ત કરી નવી બનાવવામાં આવેલી છે. એટલું જ નહીં બોર્ડ મિટિંગમાં જ્યારે ચેરમેન બાંધકામની દરખાસ્તો મુકવાની હોય ત્યારે શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ મુકેશ દોશી અને ત્યારબાદ વર્તમાન પ્રમુખ માધવ દવેને ચેરમેન વિક્રમ પૂજારા સમિતિની બોર્ડ મિટિંગમાં હાજર જ રાખતા એટલે કોઈ સભ્ય તેમાં વિરોધ દર્શાવી શકે નહીં અને પોતાના આયોજનની ગાડી બેરોકટોક પસાર થઈ જાય. ચેરમેન વિક્રમ પૂજારાએ પોતાના ત્રણ વર્ષના શાસનમાં આ બંને શહેર ભાજપ પ્રમુખ સાથે મળી બાંધકામના જેટલા ખાતમુહૂર્ત કર્યા હશે તેટલા સમિતિના ઇતિહાસમાં ભાગ્યેજ કોઈ ચેરમેને કર્યા હશે.
હવે શાળા બાંધકામની મલાઈ તારવવાવાળી વાત કેટલાક નેતાના ધ્યાનમાં આવી જતાં એમાં પણ તેઓએ નવો રસ્તો ગોતી આખી શાળા નવી બનાવવાની જગ્યાએ જરૂર ના હોય ત્યા ખોટા વધારાના રૂમ પાળીને નવા નવા રૂમ બાંધકામ બનાવવા શરૂ કર્યા છે એટલે મોટી દેખાતી રકમ નાની થઈ જાય. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ પાસે ૯૩ પ્રાથમિક શાળાના મકાન આવેલા છે જેમાં ૨ શાળા ભાડાના મકાનમાં છે એટલા ૯૧માંથી ૫૦ સ્કૂલ તો ચેરમેન પૂજારાના ૩ વર્ષના સમયગાળા દરમિયાન નવી બની ગઈ છે એટલે બાંધકામમાં બહુ મોટી મલાઈ ઘરભેગી કરવામાં આવી હોવાનુ ચર્ચાઈ છે.
હાલના શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાવ કાચા પડે છે!
હાલ શિક્ષણ સમિતિથી લઈ છેક ગાંધીનગર સુધી એક જ ચર્ચા ચાલી રહી છે કે, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સાવ કાચા પડે છે! ભૂતપૂર્વ પ્રમુખની છત્રછાયામાં આગળ વધી રહેલા વર્તમાન પ્રમુખ શિક્ષણ સમિતિમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની જગ્યાએ તેનો જ ભાગ બની ગયા હોઈ એવી અંદરખાને કહેવાઈ રહ્યું છે. વિક્રમ પૂજારાના બંગલા, વિદેશ યાત્રા, ભાડાની શાળાઓ અને બિનજરૂરી શાળા બાંધકામ વગેરે મુદ્દે માધવ દવેનું મૌન દાળમાં કાળું હોવાનું નહીં પરંતુ આખી દાળ જ કાળી હોવાનું સૂચવે છે.
શૈલેષ જાની, ચેતર સુરેજા, અશ્વિન મોલિયા વગેરે ચેરમેન બનવા મેદાનમાં
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બે અબજ જેટલા વિશાળ બજેટમાંથી ચેરમેને મનપાની સાયરનવાળી મોભો પાડતી ઇનોવા ગાડી જેવી વિશેષ સવલતો મળવી ઉપરાંત તેમાં બિનજરૂરી શાળા બાંધકામ, શિક્ષક ડ્રેસ કૌભાંડ, ભાડૂતી શાળા મકાન પરત, કાર્યક્રમોમાં લાગતા વળગતાઓને કામ આપી કમિશન, પ્રાઇવેટ એન.જી.ઓ.ને કમ્પ્યુટર શિક્ષણ માટે કોન્ટ્રાક્ટ આપી કમિશન લેવા વિગેરે જેવા કૌભાંડોમાં મોટી આર્થિક ગડબડ કરી બંગલા બનાવી લીધા અને વિદેશ યાત્રાઓ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ચેરમેનની આ કારીગરી દરેક લોકોની નજરમાં આવી હોવાથી હવે જ્યારે સભ્યો અને ચેરમેનની ચૂંટણી યોજવા માટે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે માત્ર ૧૫ સભ્યોની કમિટી બનાવાની સામે ૧૦૦૦થી વધુ લોકોની તેમાં દાવેદારી નોંધાઈ ચૂકી છે. રાજકોટના સામાન્ય કાર્યકરથી માંડી શહેર ભાજપમાં મહત્વના હોદ્દા ભોગવી ચૂકેલા મોટા નેતાઓ સુધી દરેક ઉમેદવારો પોતે જ ફાઇનલ છે તેમ માની ચેરમેન બનવાની રેસમાં પોતાના આકાઓ પાસે ઘોડા દોડાવી રહ્યા છે. માત્ર ૭૫૦૦ રૂપિયા માસિક વેતન માટે નહીં પરંતુ મસમોટા બજેટ ભાળી શૈલેષ જાની, ચેતર સુરેજા, અશ્વિન મોલિયા, કિશોર રાઠોડ, પ્રવીણ નિમાવત વગેરે ચેરમેન બનવા તલપાપડ થઈ રહ્યા છે અને પોતપોતાની રીતે હાઈકમાન્ડ સુધી ભલામણ કરાવી રહ્યા છે.




