બાળકોનું સ્વાસ્થ્ય બચાવવા શાળાઓનાં 50 મીટરના વિસ્તારમાં જંક ફૂડ વેચવા પર પ્રતિબંધ મૂકવાની સલાહ
ક્યારેક શાળા છૂટયાં પછી બાળકોનાં હાથમાં જામફળ, સિંગદાણા કે ઘરે બનાવેલો નાસ્તો હોતો હતો, પરંતુ આજે તેની જગ્યા ચિપ્સ, બર્ગર, પિઝા અને સોફ્ટ ડ્રિંકસે લઈ લીધી છે. આ ટેવ બાળકોનાં સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહી છે. દેશમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં જંક ફૂડનું વેચાણ ૧૫૦ ટકા વધ્યું છે. આનાથી સરકાર અને સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચિંતા પણ વધી ગઈ છે. ભારતીય તબીબી અનુસંધાન પરિષદ (ICMR) અને રાષ્ટ્રીય પોષણ સંસ્થાન (NIN) ની આગેવાની હેઠળ તૈયાર કરાયેલી નિષ્ણાત સમિતિએ આ જ ખતરાને ધ્યાનમાં ખાખીને કડક સૂચનો આપ્યાં છે. આ સૂચનોમાં શાળાઓનાં ૫૦ મીટરના વિસ્તારમાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ, બાળકોને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી જાહેરાતો પર નિયંત્રણ, ખાદ્ય પેકેટો પર મોટા અને સહેલાઈથી ઓળખી શકાય તેવા ચેતવણી લેબલ તેમજ વધુ મીઠું, ખાંડ અને ચરબી ધરાવતાં ખાદ્ય પદાર્થો પર વધારાનો ટેક્સ લગાવવાની ભલામણ સામેલ છે. સરકાર આ સૂચનો પર વિચાર કરી રહી છે.
- Advertisement -
મેદસ્વીપણાને લઈને પણ રિપોર્ટમાં ખુલાસો
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જંક ફૂડના કારણે મેદસ્વીપણું (મોટાપો) પણ ઝડપથી વધી રહ્યું છે. જો બાળકોને અત્યારે સંભાળવામાં નહીં આવે તો મોટાપો, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓ નાની ઉંમરમાં જ સામાન્ય થઈ શકે છે. જંક ફૂડના કારણે ૧૫ થી ૪૯ વર્ષની વય જૂથના ૨૩.૫ ટકા ભારતીયો વધુ પડતાં વજન અથવા મેદસ્વીપણાનો ભોગ બન્યાં છે. પુરુષોમાં આ આંકડો ૨૨.૯ ટકાથી વધીને ૨૭.૩ ટકા અને મહિલાઓમાં ૨૪ ટકાથી વધીને ૩૦.૭ ટકા સુધી પહોંચી ગયો છે.
ભારતમાં જંક ફૂડનો વપરાશ ઝડપથી વધ્યો
રિપોર્ટ અનુસાર, ભારતમાં અલ્ટ્રા પ્રોસેરક ફૂડનો વપરાશ સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૦૬માં આ ઉત્પાદનોનું છૂટક વેચાણ ૦.૯ અબજ ડોલર હતું, જે ૨૦૧૯ સુધી વધીને ૩૭.૯ અબજ ડોલર પહોંચી ગયું. ત્યાં જ ૨૦૦૯ થી ૨૦૨૩ વચ્ચે જંક ફૂડના વેચાણમાં લગભગ ૧૫૦ ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે.




