કાળા કપડાં પહેરીને પહોંચ્યા વિપક્ષી સાંસદો
અખિલેશે કહ્યું- દીકરીઓના કપડાં ફાડ્યા, આ અધિકાર કોણે આપ્યો
- Advertisement -
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બુધવારે વિપક્ષે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો પર પોલીસ કાર્યવાહીના મુદ્દે હોબાળો કર્યો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં પૂછ્યું કે પોલીસને દીકરીઓના કપડાં ફાડવાનો અધિકાર કોણે આપ્યો? લોકસભામાં કોંગ્રેસ સાંસદ કે. સી. વેણુગોપાલે કહ્યું કે વિપક્ષની માગ બિલકુલ સ્પષ્ટ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. જવાબમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે સરકાર છેલ્લા ત્રણ દિવસથી સતત NEET પેપર લીકના મુદ્દે ચર્ચા કરવાની રજૂઆત કરી રહી છે. રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી સાંસદો કાળા કપડાં પહેરીને સંસદ પહોંચ્યા. વિપક્ષી પક્ષો 20 જુલાઈના સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી, પેપર લીક અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગને લઈને સતત વિરોધ કરી રહ્યા છે. હોબાળાના કારણે લોકસભાની કામગીરી સવારે 11 વાગ્યે શરૂ થયાના એક મિનિટ પછી જ સ્થગિત કરી હતી. બપોરે 12 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું, પરંતુ આશરે 5 મિનિટ પછી ફરીથી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. રાજ્યસભાની કામગીરી પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરી છે.
ધર્મેન્દ્ર પ્રધાને ઓમ બિરલા સાથે મુલાકાત કરી
લોકસભામાં NEET પેપર લીક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા માટે સરકાર તૈયાર થઈ ગઈ છે. આ પછી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંસદમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકારે લોકસભામાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરાવવા સંમતિ દર્શાવી છે. સાથે જ, સરકારે લોકસભા અધ્યક્ષને તમામ પક્ષોની બેઠક બોલાવવાની વિનંતી કરી છે, જેથી ચર્ચાના નિયમો, તારીખ અને સમયગાળો નક્કી કરી શકાય.




