આરોપીએ હુમલો કરતાં બચાવમાં પોલીસનું ફાયરિંગ
આણંદના રેલવે ટ્રેક પર ફેંકેલી લાશ ત્રણ કટકામાં મળી હતી
- Advertisement -
વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ કરી દુષ્ક્રમ અને નિર્મમ હત્યા કેસના આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની બોચાસણથી ધરપકડ કરાયા બાદ જ્યારે કઈઈની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી, ત્યારે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઈજાગ્રસ્ત કર્યા હતા.
PSI રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વ-બચાવમાં સરકારી ગ્લોક પિસ્તોલમાંથી ૬ -રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરીને ઘટનાસ્થળેથી ૬ ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીએ પુરાવાનો નાશ કરવા બાળકીને રેલવે ટ્રેક પર ફેંકી દેતા માસૂમની લાશના ત્રણ કટકા થઈ ગયા હતા. પેનલ ડોકટરો દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાની પૃષ્ટિ થઈ છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે આરોપી સુરેશ પરમાર વિરુદ્ધ અગાઉ પણ આણંદ રૂરલ પોલીસ સ્ટેશને દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધાયો છે.
- Advertisement -
શું હતી સમગ્ર ઘટના ?
વરસાદના કારણે એક શ્રમજીવી પરિવાર પોતાનું ઝુંપડું તૂટી જતાં છેલ્લા કેટલાક સમયથી વાસદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં આશરો લઈ રહ્યો હતો. શનિવારે (૧૮ જુલાઈ) રાત્રે આ પરિવારની બે બાળકી મુસાફરખાનામાં સૂઈ રહી હતી. તે દરમિયાન પિતા કોઈ મિત્રને ત્યાં ટીવી જોવા ગયા હતા અને માતા થોડીવાર માટે સ્ટેશનની બહાર ઈંડાની લારી પર ગઈ હતી. માતા-પિતાની આશરે અડધા કલાકની ગેરહાજરી અને બાળકીઓની એકલતાનો લાભ ઉઠાવીને ૨૫થી ૩૦ વર્ષનો એક શખસ ત્યાં આવી પહોંચ્યો હતો અને સાડા ચાર વર્ષની માસૂમ બાળકીને ખભે ઊંચકીને નાસી છૂટયો હતો. માતા પરત ફરતા નાની દીકરી ગાયબ જણાતાં પરિવારે શોધખોળ આદરી હતી, પરંતુ રાત્રે કોઈ ભાળ મળી નહોતી. રવિવારે (૧૯ જુલાઈ) સવારે સાડા છ વાગ્યે અડાસના ગેટમેન દ્વારા રેલવે પોલીસને ટ્રેક પર એક બાળકીની લાશ પડી હોવાની માહિતી આપવામાં આવી હતી. વાસદ રેલવે સ્ટેશનથી આશરે ૮૦૦ મીટર દૂર રેલવે ટ્રેક પરથી માસૂમ બાળકીનો લોહીલુહાણ અને ત્રણ કટકા થઈ ગયેલો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાસ્થળેથી બાળકીની લેંઘી અને આરોપીના બૂટ પણ મળી આવ્યા હતા. બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ટ્રેન નીચે ફેંકી દઈ નિર્મમ હત્યા કરી હતી, જેના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા FSLની ટીમ પણ જોડાઈ હતી. વડોદરા રેલવે વિભાગના એસપી અભય સોની સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.




