રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આજે એક સાથે 216 પોલીસ કર્મચારીની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. તમામને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તાજેતરમાં એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની યાદી બનાવવામાં આવી હતી. આ પછી તૈયાર યાદી મુજબ આજે 17 જુલાઈએ એક સાથે 216 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લાના મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી અન્ય તાલુકાના પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવી છે.આ સાથે બદલી પામેલ કર્મચારીઓને કોઇપણ જાતના બેક રેફરન્સ વગર આજે જ છુટા કરી બદલી પામેલ સ્થળ પર મોકલી આપવા નોંધ કરવામાં આવી છે. એટલું જ નહીં કોઇ કર્મચારી રજા પર કે ગેરહાજર હોય તેમને પણ બારોબાર બદલી પર છુટા કરવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને છુટા કર્યાં બાદ અને હાજર થયા અંગેની જાણ ઈ-મેઈલ મારફતે કરવા સૂચના જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે. જો કોઈ કર્મચારીઓને બદલી પર છુટા કરવામાં ચુક કરવામાં આવશે તો તે અંગે જવાબદારી સબંધિત અધિકારીની રહેશે. જે બાબતે ખાસ નોંધ કરવામાં આવી છે.
- Advertisement -
ઉપલેટામાં જૂની અદાવતમાં એક જ સમુદાયના બે જૂથ વચ્ચે કુહાડી-લાકડીથી શશસ્ત્ર અથડામણ
ઉપલેટામાં જૂની અદાવતમાં છરી અને કુહાડી વચ્ચે શશસ્ત્ર હુમલો થતા ચાર લોકો ઘાયલ થયાં હતા અને એક યુવકની આંગળીઓ કપાઈ જતાં તમામને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા ઉપલેટા પોલીસે બંને પક્ષે હત્યાના પ્રયાસની કલમ હેઠળ સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉપલેટાના ખાટકીવાડમાં રહેતાં યાસીન હારુનભાઈ કટારીયા ઉ.29એ દિલાવર ઓસમાણ હિંગોરા, મોસીન દિલાવર હિંગોરા, સાહિલ ઉર્ફે બાલો ઠેબા અને રોહિત સિંધી સામે ઉપલેટા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે તે ઘરે બેઠો હતો ત્યારે ભાઈ યુનુસભાઇએ કહેલ કે, સમીર અને તેના પત્ની સુગરાબેન બંને રાજકોટ કાર લઈને ગયા હતા અને પરત આવતા હતા ત્યારે ઉપલેટા સાંઢીયા પુલ પાસે ઉપલેટા તરફથી મોહસીન દિલાવર હિંગોરા, રોહન સિંધી તથા સાહિલ ઉર્ફે બાલો ઠેબાએ મોહસીનની ગાડી સમીરની ગાડી સાથે ભટકાડી ગાડીમાં તોડફોડ કરેલ છે અને ઝઘડો કરે છે, જેથી ત્યાં જવાનું છે આ વાત કરતાં યુવકે ઘરમાંથી કુહાડી તથા લાકડી લઈને સાંઢીયા પુલ બાજુ જતા હતા ત્યારે દિલાવર જ્યુપીટરમાં આવેલ અને ત્યાં તેનો દીકરો મોહસીન છરી લઈને આવેલ અને તેઓને ઉભા રાખી મારવા લાગેલ હતાં. મોહસીને યુવકને માથાના ભાગે મારી નાખવાના ઇરાદે છરી મારી હતી જેથી યુવકે હાથમાં રહેલ કુવાડીથી મોહસીનને માર માર્યો હતો જેમા સામ સામે મારા મારી કરતા યુવકને માથાના ભાગે તથા હાથની આંગળીએ અને કાંડાના ભાગે છરી વાગી હતી તેમજ ભાઈ યુનુસને દિલાવરે માર માર્યો હતો અને આ બંને કહેતા હતા કે, આ ત્રણેય ભાઈને આપણે નકકી કર્યા મુજબ પતાવી દેવાના છે, કહી જીવલેણ ઈજા કરેલ અને ભાઈઓને પણ ગંભીર ઈજાઓ કરેલ હતી. તેમજ સમીરની ગાડી સાથે મોહસીને પોતાની કાર મારી નાખવાના ઇરાદે ભટકાડી હતી બાદ સમીરે વાત કરેલ કે, મોહસીન, રોહન તથા સાહિલ ઉર્ફે બાલો મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાડીમાં લાકડીના ધોકાથી નુકસાન કરેલ છે ભાઈ સમીરને 5 હજાર આપવાના હોય જે વાતનું મનદુખ રાખી મોહસીને કાર ભટકાડી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે સામા પક્ષે ઉપલેટામાં સ્મશાન રોડ પર રહેતાં દિલાવરભાઈ ઓસમાણભાઈ હીંગોરા ઉ.50એ યાસીન ઉર્ફે અકાડી હારુન ખાટકી, યુનુસ હારૂન ખાટકી અને સમીર હારૂન ખાટકી સામે વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે ઘરે હતો ત્યારે સાહિલનો ફોન આવેલ કે, હું તથા રોહન, મોહસીન સાથે તેની ફોરવીલમાં જતા હતા ત્યારે સાંઢીયા પુલ પાસે પહોંચતા મોહસીનની કાર સામેથી આવતા સમીરની કાર સાથે ભટકાયેલ છે સમીર તથા મોહસીન ઝઘડો કરે છે તેવી વાત કરતા તે બાઈક લઈને પહોંચતા ત્યાં સમીરના ભાઈ યુનુસના હાથમાં લાકડી તથા યાસીનના હાથમાં કુહાડી લઈ બાઈક પાસે ઉભા હતા. જ્યારે સામેથી દીકરો મોહસીન આવતા આ બંન્ને ભાઈઓ આડેધડ મારવા લાગેલ યુનુસે લાકડીથી માર માર્યો હતો અને યાસીને મારી નાખવાના ઈરાદે કુહાડીનો પાછળનો ભાગ મારતા તેઓ જમીન ઉપર નીચે પડી ગયા હતા આ મારામારીમાં દીકરા મોહસીનને અકાડી ઉર્ફે યાસીને કુહાડીથી આડેધડ માર મારેલ અને જેથી મોહસીન રોડ ઉપર પડી ગયેલ હતો. દરમિયાન રોહન તથા સાહિલ આવી ગયેલ અને આજુબાજુમાં ઘણા માણસો ભેગા થઈ જતા અકાડી તથા યુનુસ બન્ને તેમની બાઈક લઈને જતા રહેલ અને જતા જતા કહેલ કે, આ વખતે બચી ગયા છો હવે જાનથી મારી નાખશું તેમ કહી નાસી છૂટ્યા હતાં. જે બાદ પિતા-પુત્રને ગંભીર ઈજાઓ થયેલ હોય જેથી 108 મારફત સારવારમાં હોસ્પિટલમાં ખસેડેલ હતાં. જ્યાં તબીબે તપાસી જણાવેલ કે, તેમને જમણા પગમાં ઢીંચણથી નીચે કુહાડી મારતા ટુટી ગયેલ અને પગમાં ફેક્ચર છે બન્ને હાથમાં કાંડા પાસે કુહાડીના ઘા વાગતા ઈજાઓ થયેલ હતી. દીકરા મોહસીનને અકાડીએ કુહાડી મારતા ડાબા હાથની પ્રથમ ત્રણ આંગળીઓ કાપી નાખેલ હતાં. ઉપરાંત હાથની કોણીમાં, ગળામાં, ખંભાની હાંસડી પાસે તેમજ સાથળના ભાગે અને માથાના ભાગે કુહાડીનો ઘા મારતા ગંભીર ઈજા પહોંચી હતી બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે બંને જૂથની ફરીયાદ લઈ હત્યાના પ્રયાસની કલમ હેઠળ કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી પીઆઈ હેમેન્દ્ર ધાંધલ અને ટીમે તપાસ આદરી હતી.
ઉપલેટાના રાજપરા ગામે સેવાકીય પ્રવૃત્તિ કરતા યુવકને કાર નીચે કચડી મારવાનો પ્રયાસ
- Advertisement -
ઉપલેટાના રાજપરા ગામમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ યુવક પર સ્કોર્પિયો ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરાતાં યુવકનો પગ ભાંગી ગયો હતો અને સાથેના તેના મામાને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં બનાવ અંગે ભાયાવદર પોલીસમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉપલેટાના રાજપરા ગામે રહેતાં દીલીપભાઈ નાથાભાઈ દાસા ઉ.42એ આ જ ગામના પરબત લખમણ ઓડેદરા સામે ભાયાવદર પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરે છે રાજપરા ગામે યોજાતા તમામ ધાર્મીક કાર્યક્રમમાં સેવાકીય કામ કરે છે. તેઓના ગામના માજી સરપંચ પરબત ઓડેદરાને ફરીયાદીના આ કામથી પોતાનુ ગામમાં વર્ચસ્વ નહિ રહે એમ માની અવારનવાર માપમા રહેજે, નહિતર ખોવાઈ જાઇશ તેમ કહેતા હતા તેમજ ફરીયાદી સેવાકીય કામ કરતો હોય તે ગમતું ન હતું અને તે જ્યારે સામો મળતો ત્યારે કતરાતો હતો ગઈકાલે ફરીયાદી અને તેના મામા લીલાભાઈ અરભમભાઈ જોગ બન્ને બાઈકમાં ઘરે આવતા હતા ત્યારે પરબતની વાડી પાસે પહોંચેલ ત્યારે આ પરબત તેની બ્લેક કલરની સ્કોર્પીયો લઈને સામેથી આવેલ અને ફરીયાદીને મારી નાખવાના ઇરાદે બાઈકમાં આગળના ભાગે જોરદાર ઠોકર મારેલ અને તેમને અને તેના મામા લીલાભાઈને બાઈક સાથે આ પરબતએ સ્કોર્પીયોના આગળના ભાગેથી ઠોકર ચાલુ રાખી બન્નેને આઠથી દસ ફુટ ઢસડયા હતા જેથી બન્ને સાઈડમાં ફગોળાઈ ગયેલ ત્યારે આ સ્કોર્પીયોમાંથી પરબત છરી લઈ નીચે ઉતરેલ અને બોલવા લાગેલ કે, કેટલા દિવસથી રસ લે છો, તને મારી નાખવો છે, તેમ કહી છરી લઈને આગળ વધેલ ત્યારે આ પરબતનો દીકરો વિશાલ તથા ભત્રીજો બન્ને દોડીને આવેલ અને પરબતને પકડી લીધેલ અને તેઓને જતા રહેવા કહેલ જેથી બંનેને સારવારમાં ઉપલેટા ખસેડેલ હતાં. જેમાં ફરીયાદીને પગમાં ફેક્ચર આવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ડી. એચ.રાખોલીયા અને ટીમે તપાસ હાથ ધરી છે.
શાપર પાસે હાઇવે પર વોચ ગોઠવી : દમણથી દોરાના બોક્સની આડમાં પોરબંદર જતો 34 લાખનો દારૂ ઝડપી લેતી રાજકોટ એલસીબી : ઉલપેટાના રીસીવર સહીત ત્રણની શોધખોળ
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એલસીબીની ટીમે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસેથી 34 લાખના વિદેશી દારૂનો જથ્થો ભરેલા એક ટ્રક સાથે એક શખ્સની ધરપકડ કરી 64.62 લાખનો મુદામાલ કબ્જે કરી શાપર પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે રૂરલ એલસીબી પીઆઈ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને બાતમી મળી હતી કે એક ટ્રક નં. GJ-25-U 9934 છે તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થવાનો હતો આ બાતમી આધારે પોલીસે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક ત્યાંથી પસાર થતાં જ તેને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી દોરાના બોક્સની આડમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 6491 બોટલો તથા બિયરના 894 ટીન મળી આવ્યો હતો તેમજ દારૂ છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા દોરાના ખાલી બોક્સ નંગ-259 પણ મળી આવ્યા હતા પોલીસે ટ્રકચાલક જામનગરના જામજોધપુરના ભરત હમીર મોરી ઉ.22ની ધરપકડ કરી 34.05 લાખનો દારૂ-બિયર, ટ્રક અને દોરાના ખાલી બોક્સ મળી કુલ 64.62 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની પુછતાછ કરી હતી આ દારૂ-બિયરનો જથ્થો ઉપલેટાના કરણ રબારીના કહેવાથી તેને દમણથી અજાણ્યા શખ્સોએ ભરી આપ્યો હતો અને કરણ રબારીએ તે દારૂ ભરેલ ટ્રક લઈ પોરબંદર પહોંચવાનું કહ્યું હતું. હાલ પોલીસે દારૂ મંગાવનાર કરણ રબારી, સપ્લાયર અને ટ્રકના માલિકની શોધખોળ હાથ ધરી હતી.
રણજીત વાળાએ જમવાનું અધૂરું છોડી સ્થળ પર જઈ ફાયરિંગ કર્યું હતું
રાજકોટના નાના મવા ગામમાં રહેતા કૃષ્ણસિંહ જાડેજાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં મુખ્ય સુત્રધાર રણજીત વાળાને ક્રાઈમ બ્રોંચે કોર્ટમાં રજૂ કરી તા.18મી સુધીના રિમાન્ડ પર મેળવી ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી હતી દરમિયાન તેણે એવી કબૂલાત આપી હતી કે તે ઘરે જમી રહ્યો હતો હત્યાનો ભોગ બનનાર કૃષ્ણસિંહ સાથે રાજવીરને માથાકુટ થયા બાદ તેણે પિતા રણજીતને કોલ કરી જાણ કરી હતી જાણ થતાં જ જમવાનું અધુરુ છોડી હથિયાર સાથે સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં તેણે કૃષ્ણસિંહ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ત્રણેય ગોળી કૃષ્ણસિંહના શરીરમાં ઘુસી ગઇ હતી. ક્રાઈમ બ્રાંચની તપાસમાં એવું ખુલ્યું છે કે કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી એક રાઉન્ડ મીસ ફાયર અને બીજું રાઉન્ડ તેના પગમાં વાગ્યું હતું. ક્રાઈમ બ્રાંચે બુલેટના ખાલી કેસ કબજે કર્યા હતા. એક કેસ કબજે થયું ન હતું. જે રણજીતના વતન મોટા દેવળીયામાંથી કબજે થયું છે. તેની પાસેથી જે બે હથિયારો મળ્યા હતા, તે સપ્લાય કરનાર શકમંદને પણ ક્રાઈમ બ્રાંચે સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે ખરેખર હથિયારો તેણે જ આપ્યા છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ રણજીતના પુત્ર રાજવીર અને એક સગીરની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસમાં કુલ ત્રણ આરોપીઓની જ સંડોવણી ખુલી છે.
મેટોડા પાસે ડિવાઈડર તોડનાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવનાર મલ્હારભાઈ ડાભીએ અજાણ્યા શખ્સ સામે મેટોડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કચેરી હેઠળ રાજકોટ-કાલાવડ સ્ટેટ હાઇવે રોડ આવેલો છે. જેમાં અવધ રોડથી ગાર્ડી કોલેજ છાપરા સુધીનો વિસ્તાર છે, આ સ્ટેટ હાઇવે રોડની સેફ્ટી અંગેની દેખભાળ કાળજી તેમજ સારસંભાળ રાખવામાં આવે છે. આ સ્ટેટ હાઇવે રોડના ડિવાઈડર અમુક જગ્યા પર ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવ્યા હોય અને તે સ્પોટ ઉપર ભવિષ્યમાં કોઈ મોટા વાહનોનો અકસ્માત સર્જાય અને મોટી જાનહાની થાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે મેટોડા ગામના પાટિયા પાસે આવેલ રામદેવ સીરામીક પાસે આશરે 15 ફૂટ જેટલું ડિવાઈડરને કટ મારીને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યું હોય આ અંગે જિલ્લા કલેકટર તરફથી ફરિયાદ નોંધાવવા મળેલી મૌખિક સૂચના અન્વયે ડિવાઈડર વચ્ચે કટ મારી ગેરકાયદે રીતે તોડી સરકારી મિલકતને 10 હજારનું નુકસાન કરવા બાબતે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
માધાપર-બેડી ચોકડી વચ્ચે બાઈક અકસ્માતમાં વૃદ્ધનુ મોત
રાજકોટની રૂડા કચેરી પાસે ગઈકાલે ટ્રકની ઠોકરે મહિલા સહીત બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા બાદ આજે વધુ એક અકસ્માતમાં વૃદ્ધનુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે બેડી ચોકડીથી એડીબી હોટેલ વચ્ચેના પૂલ પર બાઇક અકસ્માતમાં દેવપરામાં રહેતાં 72 વર્ષીય વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ છે. જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ પર દેવપરામાં રહેતાં કરસનભાઇ વેલજીભાઇ વેગડ-કડીયા ઉ.72 ગત સાંજે પોતાનું બાઇક લઈને માધાપર ચોકડીથી આગળ એડીબી હોટેલથી બેડી ચોકડી વચ્ચેના પૂલ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી લોકો એકઠા થઇ જતાં 108 મારફત તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જો કે ટુંકી સારવાર બાદ કરસનભાઇનું મોત નીપજ્યું હતું હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં કરસનભાઇ ત્રણ ભાઇ અને અકે બહેનમાં નાના હતાં અને નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા હોવાનું જાણવા મળ્યું છે ગત સાંજે પોતાનું બાઈક હંકારી કોઇ કામ સબબ બેડી ચોકડી તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો. બાઇક સ્લીપ થયું કે કોઇ વાહને ઠોકર મારી દીધી? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મોભીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
એફડીમાં ઊંચા વળતરની લાલચ આપી એકદંત શરાફી મંડળીના સંચાલક દંપતિએ આચરી ઠગાઈ
વૃદ્ધ દંપતિએ કોર્ટના દ્વાર ખખડાવ્યા બાદ ગાંધીગ્રામ પોલીસમાં 5.12 લાખની છેતરપિંડીની ફરિયાદરાજકોટના અયોધ્યા ચોક ઓસ્કાર સ્કાય બિલ્ડિંગમાં રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ કેશવજીભાઇ સોલંકી ઉ.65એ રૈયા રોડ ઉપર આવેલ અલકાપુરીમાં રહેતા નિલેશ રજનીકાંતભાઈ જોશી અને પુનમગૌરી મહેશભાઈ ઠાકર સામે 5.12 લાખની છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મરણમૂડીથી મારુ જીવન પસાર કરું છું મારી જીવનમૂડીની કુલ રકમ 4 લાખ અલગ અલગ એફ. ડી. સ્વરૂપે મારા તથા મારા પત્નિનાં નામે 2022માં એકદંત શરાફી સહકારી મંડળી લિ.ના સંચાલક નિલેષભાઈ રજનીકાંતભાઈ જોષી તથા તેમના પત્નિ પૂનમગૌરી મહેશભાઈ ઠાકરએ અમોને વચન, વિશ્વાસ અને ઉંચા વળતરની તથા સોનાના લાભ સાથેની લાલચ આપી એકદંત શરાફી સહકારી મંડળીમાં મંથલી પેન્શન ફિકસ ડીપોઝિટ મુકાવેલ આ ફિકસ ડીપોઝિટ અન્વયે દર મહિને અમોને મળવાપાત્ર થતી મંથલી પેન્શનની રકમ નિલેષભાઈ ઘણાં લાંબા સમયથી ચુકવતા નથી. અમોને મળવાપાત્ર રકમ આપવા મંડળીનાં સંચાલક નિલેષભાઈને અવારનવાર રૂબરૂ રજુઆત કરેલ છતાં તેમણે ખોટા વચન, વિશ્વાસ અને વાયદા આપી મુદતો આપ્યે રાખે છે. અને અમોને માસિક મળવાપાત્ર રકમ પરત ચુકવવામાં આવતી નથી જેથી મેં પોલીસ કમિશ્નરને અરજી કરી હતી આ કામના આરોપીઓ ઉપર બી.એન.એસ. ની કલમ ૬૧,૫૪ તથા કલમ ૩૧૬ તથા કલમ ૩૧૮ મુજબનો ગુનો બનતો હોય અને પોલીસ કાર્યક્ષેત્રનો ગુનો હોવા છતા પોલીસ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવેલ નથી જેથી મેં મારી પરસેવાની કમાણીમાંથી બચત કરીને ઉભી કરેલ જીવન મૂડીની રકમ ફસાઇ ગયેલ છે અને જરૂરિયાતનાં સમયે અમોને પરત મળતી નથી તેવી કોર્ટમાં ફરિયાદ કરી હતી અમારી હાલની આ ફરિયાદ જોતા પ્રથમ દર્શનીય રીતે ગુનાહીત બાબત બનેલ હોય આ કામના આરોપીઓ વિરૂધ્ધ કો ગ્નિઝન્સ લઇ શકાય તેમ હોવાથી કોર્ટના હુકમ બાદ અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વેપન કાર્ટેલ ગેંગના વધુ 2 સાગરીતને 4 હથિયાર સાથે પીસીબીએ ઝડપી લીધા
રાજકોટ પીસીબી દ્વારા વેપન કાર્ટેલ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ગેંગ દ્વારા વેપન કાર્ટેલ ગેંગના 5 શખ્સોને 16 હથિયાર સાથે પકડ્યા બાદ આજે વધુ 2 શખ્સોને બે દેશી પિસ્ટલ અને બે દેશી કટ્ટા સાથે ઝડપી લીધા છે અત્યાર સુધીમાં પકડાયેલ આરોપીઓની સંખ્યા 13 સુધી પહોંચી ગઈ છે તેમજ પોલીસે કબ્જે કરેલા હથિયારોમાં 28 હથિયાર અને 32 જીવતા કાર્ટીસનો સમાવેશ થાય છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીઆં પીએસઆઈ આર કે જાડેજા અને ટીમે બે દિવસ પૂર્વે બાતમી આધારે વેપન કાર્ટેલ ગેંગના મિર્ઝાપુર સૂત્રધાર શકીલ સહીત પાંચ શખ્સોને 16 હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા પીસીબીની ટીમે એમપીના મિર્ઝાપુરના મુખ્ય સપ્લાયર શકીલ સાદિક મન્સૂરી, જસદણના જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા, ચોટીલાના ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિક ઉર્ફે અનિલભાઈ રોજાસરા, અનિલ વીરાભાઇ ખેતરીયા અને પ્રદીપ અનકભાઈ કરપડાની ધરપકડ કરી 10 દેશી પિસ્તોલ, 5 દેશી કટ્ટા, 1 દેશી રિવોલ્વર, 30 જીવતા કાર્ટીસ, 4 મોબાઈલ સહીત 2 લાખ 3 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી આ પછી પીસીબીની ટીમે સંદીપસિંહ પરમારને બે દેશી બનાવટની પિસ્ટલ, કાર અને મોબાઈલ સાથે ઝડપી લીધો હતો આ પછી ગંજીવાડામાં રહેતા આરીફ ગફારભાઈ પઠાણને એક દેશી પિસ્ટલ સાથે અને રણુજા મંદિર પાસે વેલનાથપરામાં રહેતા જયપાલ રાજેશભાઈ ડેડાણિયાને 2 પિસ્ટલ તથા બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા બાદમાં આજે ધ્રુવ ઉર્ફે કનૈયો સુનિલગિરી ગોસ્વામી, ચોટીલાના જયરાજ ઉર્ફે લાલો પીઠુભાઈ ખાચર અને શ્યામ રાજુભાઈ પરમારની ધરપકડ કરી વધુ 3 હથિયાર કબ્જે કર્યા છે તે પછી આજે અમરેલીના જીલુ ભુપતભાઇ બારૈયા અને ચોટીલાના ઋતુરાજ અનકભાઈ ખાચરને ઝડપી લઇ વધુ બે દેશી પિસ્ટલ અને બે દેશી કટ્ટા કબ્જે કર્યા છે.




