વિશ્વનાં 1368 શહેર પર કરવામાં આવેલાં અભ્યાસમાં દાવો
ગરમીનાં કારણે લોકો વર્ષમાં સરેરાશ 56 કલાકની ઊંઘ ગુમાવી રહ્યાં, જેમાંથી 10 ટકા હવામાન પરિવર્તનના કારણે
હવામાન પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ)ના કારણે લોકોની ઊંઘ પણ બગડી રહી છે. વિશ્વનાં ૧૩૬૮ શહેરો પર કરવામાં આવેલાં અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગરમીનાં કારણે લોકો વર્ષમાં સરેરાશ ૫૬ કલાકની ઊંઘ ગુમાવી રહ્યાં છે, જેમાંથી ૧૦ ટકા હવામાન પરિવર્તનના કારણે છે. ભારતમાં હવામાન પરિવર્તનના કારણે લોકો સરેરાશ આઠ કલાકની ઊંઘ ગુમાવી રહ્યાં છે. આ અભ્યાસમાં ભારતનાં ૧૦૭શહેરોનાં આંકડા પણ સામેલ કરવામાં આવ્યાં છે. છેલ્લાં ૫૦ વર્ષોમાં આ ગતિ બમણી થઈ છે. ક્લાઈમેટ સેન્ટ્રલના બુધવારે જાહેર કરાયેલાં રિપોર્ટ અનુસાર, ભારતમાં ગરમીનાં કારણે દક્ષિણનાં રાજ્યોમાં લોકોને વર્ષમાં ૭૮-૯૧ કલાકની ઊંઘની અછત થઈ રહી છે. જેમાંથી ૮-૯ કલાકનો ઘટાડો સીધો હવામાન પરિવર્તનના કારણે છે. રિપોર્ટ અનુસાર બેંગલુમાં ૬૭ કલાકની ઊંઘ ઓછી થઈ છે. પટનામાં ૮ કલાક, અજમેર, જમશેદપુરમાં ૭ કલાક, અમદાવાદ, ભોપાલ, રાંચીમાં ૬ કલાક, આગ્રા, દેહરાદૂન, દિલ્હી, ગાઝિયાબાદ, ફરીદાબાદ, મેરઠ, કાનપુર, પ્રયાગરાજ, લખનૌમાં લોકોની ઊંઘમાં પાંચ કલાકનો ઘટાડો નોંધાયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણનાં રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં વધતી ગરમીનાં કારણે ઊંઘમાં ઘટાડો સૌથી વધુ છે. રાજ્યોનાં રિપોર્ટમાં પુડુચેરીમાં સૌથી વધુ ૯૨ કલાકની ઊંઘની કમી થઈ રહી છે, જેમાં ૫ કલાક સીધી રીતે હવામાન પરિવર્તનના કારણે છે. ત્યારબાદ દક્ષિણનાં રાજ્યો આવે છે જ્યાં ૮૪-૮૮ કલાકનો ઘટાડો થાય છે. મહાનગરોમાં બેંગલુ અને ચેન્નઈમાં સૌથી વધુ ઊંઘની કમી ગરમીનાં કારણે થાય છે. પરંતુ હવામાન પરિવર્તનથી થતો ઘટાડો અહીં ૫ કલાક છે જ્યારે બેંગલુમાં કુલ ઘટાડો ૬૭ કલાકનો છે પરંતુ તેમાં હવામાન પરિવર્તનથી થનારો ઘટાડો ૮ કલાકનો છે. ઊંઘ ઘટવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે. આનાથી હ્રદય સંબંધિત રોગ અને કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે.




