વર્લ્ડ કપ 2026 અંતિમ તબક્કામાં : ટ્રોફી માટે હવે અંતિમ કાઉન્ટડાઉન શરૂ
ફ્રાન્સ, સ્પેન, ઈંગ્લેન્ડ અને આર્જેન્ટીના સામે પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સપનું જોતી મોરક્કો, બેલ્જિયમ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે જંગ
- Advertisement -
ફૂટબોલ વર્લ્ડ કપ 2026 હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે. ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી આઠ ટીમો હવે ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર છે. અત્યાર સુધી રમાયેલી રોમાંચક મેચો બાદ હવે દરેક મુકાબલો ‘કરો અથવા મરો’ સમાન બન્યો છે. વિશ્વભરના કરોડો ફૂટબોલ ચાહકોની નજર હવે ક્વાર્ટર ફાઈનલ પર છે, જ્યાંથી ચાર શ્રેષ્ઠ ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ બે ટીમો ફાઈનલમાં આમને-સામને આવશે. ફિફા વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી કુલ 96 મેચો રમાઈ ચૂકી છે અને 40 ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે માત્ર આઠ ટીમો જ ખિતાબની દોડમાં બચી છે. આગામી દિવસોમાં રમાનારી ચાર ક્વાર્ટર ફાઈનલ બાદ સેમીફાઈનલિસ્ટ ટીમોની તસવીર સ્પષ્ટ થશે અને અંતે ફૂટબોલ જગતને નવો વિશ્વ ચેમ્પિયન મળશે. ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવનાર ટીમોમાં ફ્રાન્સ, મોરક્કો, સ્પેન, બેલ્જિયમ, નોર્વે, ઈંગ્લેન્ડ, આર્જેન્ટીના અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે. આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે યુરોપિયન ફૂટબોલનું વર્ચસ્વ હજુ પણ મજબૂત છે, કારણ કે આઠમાંથી છ ટીમો યુરોપની છે.
ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી તમામ ટીમોએ ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. હવે દરેક ટીમનું લક્ષ્ય માત્ર સેમીફાઈનલ નહીં, પરંતુ વિશ્વ ચેમ્પિયન બનવાનું છે. આગામી દિવસોમાં રમાનારી ચાર નિર્ણાયક મેચો નક્કી કરશે કે કઈ ચાર ટીમો ટ્રોફીની વધુ નજીક પહોંચશે અને કઈ બે ટીમો વિશ્વ ફૂટબોલની સૌથી પ્રતિષ્ઠિત ફાઈનલમાં સ્થાન બનાવશે.
ક્વાર્ટર ફાઈનલના મુકાબલાઓ આ પ્રમાણે રહેશે
10 જુલાઈ, રાત્રે 1:30 વાગ્યે :ફ્રાન્સ સામે મોરક્કો
11 જુલાઈ, રાત્રે 12:30 વાગ્યે : સ્પેન સામે બેલ્જિયમ
12 જુલાઈ, રાત્રે 2:30 વાગ્યે : નોર્વે સામે ઈંગ્લેન્ડ
12 જુલાઈ, સવારે 6:30 વાગ્યે : આર્જેન્ટીના સામે સ્વિટ્ઝરલેન્ડ
દરેક મેચમાં જીતનાર ટીમ સીધી સેમીફાઈનલમાં પ્રવેશ કરશે, જ્યારે હારનાર ટીમ માટે વર્લ્ડ કપમાંથી બહાર થશે
ચાર પૂર્વ ચેમ્પિયન ટીમ સામે ચાર નવી ટીમ દાવેદાર
ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી આઠ ટીમોમાંથી ચાર ટીમો અગાઉ વર્લ્ડ કપ જીતવાનો ગૌરવ મેળવી ચૂકી છે. આર્જેન્ટીના, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ અને સ્પેન પાસે વિશ્વ ચેમ્પિયન બનવાનો અનુભવ છે, જ્યારે મોરક્કો, બેલ્જિયમ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ વખત ટ્રોફી જીતવાનું સપનું સાકાર કરવા માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આર્જેન્ટીનાએ 1978, 1986 અને 2022માં ખિતાબ જીત્યો હતો અને હવે વધુ એક ટ્રોફી માટે દાવેદાર છે. ફ્રાન્સે 1998 અને 2018માં વિશ્વ વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો. ઈંગ્લેન્ડે 1966માં એકમાત્ર વખત ખિતાબ જીત્યો હતો, જ્યારે સ્પેને 2010માં પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.
- Advertisement -
પ્રથમ વખત ટ્રોફી જીતવાનું સપનું : ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી ચાર ટીમો એવી પણ છે, જેઓ અત્યાર સુધી ક્યારેય વર્લ્ડ કપ જીતી શકી નથી.
મોરક્કોનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન 2022ના વર્લ્ડ કપમાં સેમીફાઈનલ સુધી પહોંચવાનું રહ્યું હતું.
સ્વિટ્ઝરલેન્ડ ચાર વખત (1934, 1938, 1954 અને 2026) ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી છે, પરંતુ તેનાથી આગળ વધી શકી નથી.
બેલ્જિયમનું શ્રેષ્ઠ પ્રદર્શન 2018ના રશિયા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન સુધી પહોંચવાનું રહ્યું હતું.
નોર્વે માટે વર્લ્ડ કપ 2026 અત્યાર સુધીનો સૌથી સફળ અભિયાન સાબિત થયો છે અને ટીમ પ્રથમ વખત આટલા આગળ સુધી પહોંચી છે.




