ધોધમાર વરસાદમાં નગ્ન અવસ્થામાં સ્કૂટર ચલાવી ન્હાતા યુવાનનો વીડિયો વાયરલ
યોગ્ય-અયોગ્યનું ભાન ભૂલાવતો રોગ: મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ‘મેનિક સાયકોસિસ’ની આશંકાઃ ડૉ.યોગેશ જોગસણ
- Advertisement -
માત્ર પોલીસ કેસ કે કાયદો-વ્યવસ્થા પૂરતી નથી: તમામ લોકલાજ નેવે મૂકતી આત્યંતિક વર્તણૂક પાછળ મગજનું અસામાન્ય સ્તર જવાબદાર
રાજકોટના એક વ્યસ્ત જાહેર માર્ગ પર ધોધમાર વરસાદ દરમિયાન એક યુવાન દ્વારા નગ્ન અવસ્થામાં સ્કૂટર ચલાવી નહાવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચર્ચા અને આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. રાજકોટમાં કાયદો-વ્યવસ્થા અને સામાજિક મર્યાદાના લીરેલીરા ઉડાડતી આ ઘટનાનો વિડિયો જેણે પણ જોયો તે સ્તબ્ધ થઈ ગયો છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.યોગેશ જોગસણે કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના સામાન્ય લોકોને માત્ર એક વિકૃત મજાક, સ્ટન્ટ કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પેતરો લાગી શકે છે, પરંતુ મનોવિજ્ઞાનના નિષ્ણાતોના મતે આ બાબત અત્યંત ગંભીર માનસિક રોગ અથવા ઊંડી વિકૃતિ તરફ ઈશારો કરે છે. આ પ્રકારની ઘટનાને માત્ર પોલીસ કેસ, કાયદો-વ્યવસ્થા કે નૈતિકતાના ચશ્માથી જોવી પૂરતી નથી, કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે ભરી બજારે પોતાની તમામ સામાજિક મર્યાદાઓ અને લોકલાજ નેવે મૂકીને નગ્ન અવસ્થામાં ફરે છે, ત્યારે તેનું મગજ સામાન્ય સ્તરે કામ કરતું હોતું નથી. મનોચિકિત્સકોના મતે આવી આત્યંતિક વર્તણૂક પાછળ મુખ્યત્વે ત્રણ મોટા પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમાં પ્રથમ બાયપોલર ડિસઓર્ડરનો ‘મેનિક એપિસોડ અને સાયકોસિસ’ છે, જેમાં વ્યક્તિનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક સાવ તૂટી જાય છે અને તેનામાં યોગ્ય-અયોગ્ય વચ્ચેનો ભેદ સમજવાની ક્ષમતા શૂન્ય થઈ જાય છે. બીજું કારણ આજના સમયમાં વધતા કેમિકલયુક્ત માદક દ્રવ્યોના સેવનથી થતી ‘સિન્થેટિક ડ્રગ્સની વિઘાતક અસર’ હોઈ શકે છે, જેમાં ડ્રગ્સના ઓવરડોઝને લીધે વ્યક્તિને એ ભાન જ નથી રહેતું કે તે ક્યાં છે અને શું કરી રહ્યો છે. જ્યારે ત્રીજું કારણ ‘એક્ઝિબિશનિઝમ’ એટલે કે પ્રદર્શનવૃત્તિ હોઈ શકે છે, જેમાં વ્યક્તિ સભાન અવસ્થામાં જાહેરમાં પોતાના ગુપ્તાંગો કે શરીર પ્રદર્શિત કરીને એક પ્રકારનો વિકૃત આનંદ મેળવતી હોય છે.
- Advertisement -
આજના ડિજિટલ યુગમાં શોર્ટ વિડિયો કે ‘રીલ્સ’ બનાવવાની અને ગમે તે ભોગે વાયરલ થઈને રાતોરાત ‘સેન્સેશન’ બનવાની ઘેલછા યુવાધનને અંધકાર તરફ ધકેલી રહી છે. ક્યારેક લાઈક્સ, વ્યુઝ અને ફોલોઅર્સ મેળવવાની આ આંધળી દોડ વ્યક્તિને માનસિક રીતે એટલી વિકૃત કરી દે છે કે તે સમાજના કાયદાઓ તોડવામાં ગર્વ અનુભવવા લાગે છે, જેથી આ કિસ્સામાં યુવકનું પોલીસ કાર્યવાહીની સાથે-સાથે પ્રોફેશનલ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ અને મેડિકલ ટેસ્ટિંગ થવું અત્યંત અનિવાર્ય છે. વૈશ્વિક સ્તરે માનસિક રોગોનું વર્ગીકરણ કરતી સંસ્થાઓના માપદંડો પણ આ વાતને પુષ્ટિ આપે છે, જેમાં અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશનના DSM-5-TR મુજબ જાતીય પ્રદર્શનની વિકૃતિને ‘એક્ઝિબિશનિસ્ટિક ડિસઓર્ડર’ અથવા નશાની સ્થિતિને ‘ગ્રોસલી ડિસઓર્ગેનાઇઝ્ડ બિહેવિયર’ની શ્રેણીમાં મુકાય છે, જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ICD-11 વર્ગીકરણમાં તેને ‘પેરાફિલિક ડિસઓર્ડર’ અથવા ‘મેનિક સાયકોસિસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના સામાન્ય નાગરિકો માટે એક મોટી લાલબત્તી સમાન સંદેશ છે કે આવી કમકમાટીભરી બાબતો પર માત્ર હસવા, કમેન્ટ કરવા કે વિડિયો આગળ શેર કરવાને બદલે સમાજે જાગૃત થવાની જરૂર છે. જો આપણી આસપાસ કોઈ વ્યક્તિ અચાનક અતિશય વિચિત્ર વર્તન કરવા લાગે, સામાજિક રીત-રિવાજોથી વિપરીત વર્તે, અતિશય ગુસ્સો કે ઉન્માદ બતાવે, તો તેને અવગણવાને બદલે તુરંત કોઈ સારા મનોચિકિત્સક કે ક્લિનિકલ સાયકોલોજિસ્ટની મદદ અપાવવી જોઈએ, કારણ કે માનસિક રોગ એ કોઈ પાપ કે શરમની વાત નથી પણ સમયસરની સારવાર વ્યક્તિની જિંદગી અને સમાજની ગરિમા બંને બચાવી શકે છે.
- મેનિક એપિસોડ અને સાયકોસિસ
ઘણીવાર વ્યક્તિ જ્યારે બાયપોલર ડિસઓર્ડરના ‘મેનિયા’ (અતિશય ઉન્માદ)ના તબક્કામાંથી પસાર થતી હોય ત્યારે તેનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક સાવ તૂટી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિમાં યોગ્ય-અયોગ્ય કે સારું-ખરાબ વચ્ચેનો ભેદ સમજવાની ક્ષમતા શૂન્ય થઈ જાય છે અને તે ગમે તેવું અસામાન્ય વર્તન કરી બેસે છે.
- સિન્થેટિક ડ્રગ્સની વિઘાતક અસર
આજના સમયમાં કેમિકલયુક્ત માદક દ્રવ્યો (જેવા કે મેથ, MDMA વગેરે) ના સેવનને કારણે મગજ પર ઘાતક અસરો થાય છે. ડ્રગ્સના ઓવરડોઝ અથવા હેલ્યુસિનેશન (ભ્રામકતા) ને કારણે વ્યક્તિને એ ભાન જ નથી રહેતું કે તે ક્યાં છે અને શું કરી રહ્યો છે. વરસાદના રોમાંચમાં મગજનું રાસાયણિક સંતુલન ગુમાવી બેસવું એ પણ આનું જ પરિણામ હોઈ શકે છે.
- એક્ઝિબિશનિઝમ
જો કોઈ વ્યક્તિ પૂરેપૂરી સભાન અવસ્થામાં અને જાણી જોઈને આવું કરતી હોય, તો મનોવિજ્ઞાનમાં તેને ‘એક્ઝિબિશનિસ્ટિક ડિસઓર્ડર’ કહેવાય છે. આ એક એવી માનસિક વિકૃતિ છે જેમાં વ્યક્તિ જાહેરમાં પોતાના ગુપ્તાંગો કે શરીર પ્રદર્શિત કરીને એક પ્રકારનો વિકૃત અને ઉત્તેજક આનંદ મેળવતી હોય છે.




