સુરતના પલસાણામાં ૮ ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે, મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી. આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ પડ્યો છે. વેરાવળમાં ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડીંડોલી વિસ્તારમાં આજેપણ લગભગ 40 મીટર રોડ બેસી ગયો હતો, જેમાં એક ટેન્કર ભૂવામાં ફસાયું.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થવાના કારણે આગામી 48 કલાક રાજ્યભરમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની આશંકા છે. આજે (2 જુલાઈ) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરી અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે, જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દ્વારકા, જામનગર અને આણંદ પંથકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.




