વિશ્ર્વ આરોગ્ય સંસ્થા, સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ દેશ-દુનિયાને વારંવાર ચેતવ્યા છે કે, હજુ કોરોના સંપૂર્ણ ખતમ થઈ ગયો નથી, તેથી કોઈપણ પ્રકારની બેદરકારી કે પ્રશાસનિક ઉદારતા ઘાતક સાબિત થઈ શકે તેમ છે. કોરોના વાયરસના ન્યૂ વેરિયન્ટ ડેલ્ટા પ્લસે દેશ-દુનિયામાં દસ્તક દઈ દીધી છે. આ નવો ડેલ્ટા પ્લસ વાયરસ ઝડપથી ફેલાય છે. હાલમાં જ રશિયા અને બ્રિટનમાં કોરોનાના નવા કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ચીનના શહેર લાનઝોઉમાં પણ કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. આશરે 40 લાખની વસ્તી ધરાવતા લાનઝોઉમાં મંગળવારથી લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. વિશ્વમાં ફરીથી વધતા જતા કોરોનાના કહેરથી બચવા ભારતના સ્થાનિક પ્રશાસનની સાથેસાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ અને નિયંત્રણ બોર્ડે પણ ચોકસાઈ રાખવી પડશે. ભારત માટે આ સમય વધુ સાવધાની રાખવાનો છે કારણ કે, દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે.
દેશના સૌથી મોટા અને લાંબા ચાલનારા દિવાળીના તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે આ સાથે જ દેશના કેટલાંક ભાગોમાં અત્યારથી જ કોરોના કેસમાં નજીવો ઉછાળો જોવા મળી રહ્યો છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બિલ્લીપગે પ્રસરી રહેલા કોરોના વાયરસના સંક્રમણને પગલે બે મહિનાથી નિયંત્રણમાં આવેલી સ્થિતિમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. એક તરફ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને અનાવશ્યક ફરવા, ભીડભાડ કરવા, કોવિડ પ્રોટોકોલનો પાલન નહીં કરવા સામે નિષ્ણાતોએ ચેતાવણી ઉચ્ચારી છે. કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા સાથે દરેક માટે સાબદા થઈ જવા ચેતાવણીનું એલાર્મ પણ વાગ્યું છે. નિષ્ણાતોના મતે, કોરોનાના કેસમાં ઘટાડો થતાં મોટાભાગના લોકો બેદરકાર થઈ ગયા છે. આ બાબત ચિંતાજનક છે. હજુ રાજ્યમાં ઘણા એવા છે જેમણે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો નથી એટલે હજુ ચેતવા જેવું છે.
- Advertisement -
ભારતમાં દિવાળીના તહેવાર નિમિત્તે જ્યાં જૂઓ ત્યાં ભીડ જોવા મળે છે. દેશમાં તહેવારો બાદ અચાનક કોરોનાના કેસો વધી ગયા હોય તેવું આપણે છેલ્લા એક-દોઢ વર્ષમાં જોયું છે. તેથી આ તહેવારોમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ વધારવો પડશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ એટલું જ જરૂરી છે. ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવું પડશે. હા, કોરોના વિરુદ્ધના રસીકરણથી લોકો સુરક્ષિત બન્યા છે પરંતુ કોરોનાનો ડેલ્ટા પ્લસ વાયરસ ઘાતક હોય એક રિપોર્ટ અનુસાર કોરોના વિરુદ્ધની રસી લીધેલા લોકોને પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસની અસર થઈ શકે છે, તેઓ પણ આ કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિત થઈ શકે છે. એટલે આ તહેવારોમાં સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાય શકે તેમ છે. દેશમાં તહેવારો બાદ કોરોનાના કેસોમાં ઉછાળો ન આવે એ જોવાની અને તકેદારી રાખવાની જવાબદારી આપણા સૌની છે.



