ફેમીલી કોર્ટમાં બાળકની કસ્ટડી અંગે કાનૂની જોગવાઈઓ
માતા-પિતાના પરસ્પરના કાનૂની અધિકારો કરતાં બાળકના સર્વોચ્ચ કલ્યાણને અદાલતનું પ્રથમ પ્રાધાન્ય
- Advertisement -
પિતા કે માતા આર્થિક રીતે ગમે તેટલા સક્ષમ હોય, પણ સમજદાર બાળકની સંમતિને કોર્ટ મહત્વ આપશે
ફેમિલી કોર્ટમાં બાળકની કસ્ટડીનો વિવાદ એ માત્ર કાનૂની લડાઈ નથી પરંતુ બાળકના સમગ્ર ભવિષ્ય અને તેની માનસિક સ્થિતિ સાથે જોડાયેલો એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર વિષય છે. જ્યારે પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસે છે અને તેઓ અલગ થવાનો નિર્ણય લે છે, ત્યારે સગીર બાળકની સંભાળ અને ઉછેરની જવાબદારી કોને સોંપવી તે મોટો પ્રશ્ર્ન બની જાય છે. અદાલત આ પ્રકારના કેસોમાં માતા કે પિતાના અંગત હિતો કે અહમને મહત્વ આપવાને બદલે માત્ર અને માત્ર બાળકના સર્વોચ્ચ કલ્યાણને ધ્યાનમાં રાખે છે. બાળકના ભૌતિક, માનસિક, શૈક્ષણિક અને નૈતિક વિકાસ માટે કયું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ રહેશે, તેનો ઝીણવટભર્યો અભ્યાસ અદાલત દ્વારા કરવામાં આવે છે. કસ્ટડીના નિર્ણયો લેતી વખતે બાળકની ઉંમર, તેની પોતાની ઈચ્છા અને બંને પક્ષોની આર્થિક તેમજ સામાજિક સ્થિતિને મુખ્ય આધાર બનાવવામાં આવે છે, જેથી બાળકનું ભવિષ્ય સુરક્ષિત અને તણાવમુક્ત બની શકે.
ધ ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890 (ૠઠઅ)એ એક મહત્વપૂર્ણ બિનસાંપ્રદાયિક અને સામાન્ય કાયદો છે, જે ધર્મના ભેદભાવ વિના ભારતના તમામ નાગરિકોને સમાન રીતે લાગુ પડે છે અને જેના હેઠળ ફેમિલી કોર્ટ બાળકની કસ્ટડી અંગેના નિર્ણયો લે છે. “બાળકનું કલ્યાણ” ભારતના કોઈપણ કાયદા કે ધર્મ અંતર્ગત જ્યારે બાળકની કસ્ટડીનો વિવાદ કોર્ટ સમક્ષ આવે છે, ત્યારે અદાલત માટે માતા કે પિતાના કાનૂની હકો ગૌણ બની જાય છે. આ કાયદાની કલમ 7 કોર્ટને સગીર બાળકના સર્વોચ્ચ કલ્યાણને ધ્યાનમાં રાખીને તેના હિત માટે યોગ્ય વાલીની નિમણૂક કરવાની કાનૂની સત્તા આપે છે. જ્યારે કલમ 17 એ સ્પષ્ટ કરે છે કે વાલીની પસંદગી કરતી વખતે કોર્ટે બાળકની ઉંમર, જાતિ, ધર્મ, પ્રસ્તાવિત વાલીની નૈતિક યોગ્યતા અને જો બાળક પૂરતું સમજદાર હોય તો તેની પોતાની અંગત ઈચ્છા જેવા મહત્વના પાસાઓ અવશ્ય ધ્યાનમાં રાખવા જોઈએ. વધુમાં, કલમ 25 હેઠળ જો કોઈ બાળકને તેના કાનૂની વાલીની કસ્ટડીમાંથી ગેરકાયદેસર રીતે દૂર રાખવામાં આવ્યું હોય, તો કોર્ટ બાળકને તેના વાલી પાસે સુરક્ષિત રીતે પાછું મેળવવા માટેનો કડક આદેશ જાહેર કરવાની સત્તા ધરાવે છે.
- માતા પક્ષે કસ્ટડી મેળવવાનાં સામાન્ય ગ્રાઉન્ડ
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતાને મળે છે
- Advertisement -
કાયદાકીય અને કુદરતી દ્રષ્ટિએ માતાને બાળક રાખવાનો પ્રથમ અધિકાર છે
કુમળી વયના બાળકને માતાના પ્રેમ અને હૂંફની સૌથી વધુ જરૂર હોય છે
પિતાએ કોર્ટમાં સાબિત કરવું પડે કે માતા બાળકની સંભાળમાં અસમર્થ છે
બાળકના હિત અને તેના ઉજ્જવળ ભવિષ્યને માતા સાથે જ હોય તો
પિતાએ ભૂતકાળમાં બાળકની ઉપેક્ષા અથવા હિંસક વર્તન આચરેલ હોય
જો પિતા કોઈ ગંભીર વ્યસનથી પીડાતા હોય, તો કસ્ટડી માતાને સોંપાય છે
સમજદાર સગીર બાળકની માત્ર માતા સાથે જ રહેવાની સંમતિ હોય
સાવકી માતા દ્વારા બાળકની સંભવિત ઉપેક્ષા થઇ શકે તેમ હોય
પિતા સામે અદાલતમાં ચાલતા ફોજદારી કેસો ચાલતા હોય
- પિતા પક્ષે કસ્ટડી મેળવવાનાં સામાન્ય ગ્રાઉન્ડ
બાળક પાંચ વર્ષથી મોટું હોય ત્યારે પિતા કસ્ટડીની માંગ કરી શકે છે
માતા માનસિક રીતે બીમાર હોય અથવા ઉછેર માટે અસમર્થ સાબિત થાય
પિતા બાળકના સારા શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપી શકે છે
બાળકના ઉછેર માટે પિતાનું ચારિત્ર્ય અને વર્તન યોગ્ય હોવું ખૂબ જરૂરી છે
પિતાએ બાળક સાથે પૂરતો સમય વિતાવવાની કોર્ટમાં ખાતરી આપવી પડે
માતા પોતાના બાળક પ્રત્યે બેદરકાર રહેતી હોય તે સાબિત થાય
જો માતાનું ચારિત્ર્ય કે વાતાવરણ બાળકના વિકાસને અટકાવતું હોય
જો માતા બીજા લગ્ન કરે અને સાવકા પિતાનું વર્તન યોગ્ય ન હોય.
માતા પોતાની અને બાળકની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા અસમર્થ હોય
પિતાના ઘરમાં દાદા-દાદીનો સ્નેહ અને સંયુક્ત પરિવારનો મોટો આશ્રય હોય
બાળકની કસ્ટડી અંગે સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ
(1) ગૌરવ નાગપાલ વિ. સુમિત્રા નાગપાલ (2009) 1 જઈઈ 42 : કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકની કસ્ટડી નક્કી કરતી વખતે માત્ર કાયદાકીય હકો નહીં, પરંતુ બાળકની સુખાકારી અને તેનું સર્વોચ્ચ કલ્યાણ સૌથી મહત્વનો આધાર રહેશે.
(2) ગાયત્રી બજાજ વિ. જિંતેન્દ્ર બજાજ (2012) 12 જઈઈ 471 : સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે બાળક કયા પક્ષ સાથે રહેવા માંગે છે તેની ઈચ્છા અને હિત, માતા-પિતાની આર્થિક સક્ષમતા કરતાં વધુ પ્રબળ આધાર ગણાશે.
(3) યશપાલ ભલ્લા વિ. રાજ્ય 2023 જઈઈ 120 : કોર્ટે જણાવ્યું કે કસ્ટડી ભલે ગમે તે પક્ષ પાસે હોય, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ માટે તેને માતા અને પિતા બંનેનો સ્નેહ અને મુલાકાતનો અધિકાર મળવો જ જોઈએ.
(4) થિરુમન વિ. એસ. અમાનુલ્લા (2020) 18 જઈઈ 411 : અદાલતે ઠરાવ્યું કે માત્ર પિતા આર્થિક રીતે વધુ સમૃદ્ધ હોવાના કારણે પાંચ વર્ષથી નાની વયના બાળકની કસ્ટડી કુદરતી રીતે માતા પાસેથી છીનવી શકાય નહીં.
(5) વસુધા સેઠી વિ. કિરણ વી. ભાસ્કર 2022 જઈઈ 43 : અદાલતે પુનરોચ્ચાર કર્યો કે કસ્ટડી વિવાદમાં માતા-પિતા વચ્ચેના અણબનાવને બાજુ પર રાખીને, બાળક માટે કયું વાતાવરણ સૌથી શ્રેષ્ઠ છે તે જ એકમાત્ર માપદંડ રહેશે.



