ટ્રમ્પ વીકએન્ડ પ્રોગ્રામ કેન્સલ કરીને વ્હાઇટ હાઉસ પાછા ફર્યા: ઈમરજન્સી મિટિંગ દુશ્મનની મૂર્ખતાનો જવાબ આપીશું: ઈરાન
ટ્રમ્પે દીકરાના લગ્ન સહિતના તમામ કાર્યક્રમો રદ્દ કર્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ એકવાર ફરી ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન ઈરાન પર નવા સૈન્ય હુમલા કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. જોકે, બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો હજુ પૂરી રીતે બંધ નથી થયો, પરંતુ વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં અચાનક વધેલી હલચલના કારણે મોટા સૈન્ય એક્શનની આશંકાઓ પ્રબળ બની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે પ્રમુખ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રાધ્યક્ષીય સુરક્ષા સલાહકારો અને ટોચના સૈન્ય અધિકારીઓ સાથે વ્હાઇટ હાઉસમાં એક અત્યંત મહત્ત્વની બેઠક યોજી હતી. આ હાઇ-લેવલ મીટિંગમાં ઉપપ્રમુખ જેડી વેન્સ, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, સીઆઇએ (ઈઈંઅ) ડાયરેક્ટર જોન રેટક્લિફ અને ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઇલ્સ સહિતના દિગ્ગજ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકન સેનાના કેટલાક જવાનોની મેમોરિયલ ડેની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે અને વિદેશોમાં તહેનાત અમેરિકી સૈન્ય મથકોને એલર્ટ રહેવા જણાવાયું છે.
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે પ્રમુખ ટ્રમ્પે પોતાના તમામ ખાનગી કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ ન્યૂ જર્સી જવાના હતા પરંતુ અચાનક પ્લાન બદલીને વોશિંગ્ટન પરત ફર્યા છે. એટલું જ નહીં, તેમણે પોતાના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં જવાનો કાર્યક્રમ પણ કેન્સલ કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, ’સરકારી પરિસ્થિતિઓ અને અમેરિકા પ્રત્યેના મારા પ્રેમને કારણે મારું વ્હાઇટ હાઉસમાં રહેવું ખૂબ જરૂરી છે.’ આ દરમિયાન ટ્રમ્પના નજીકના સલાહકારે સોશિયલ મીડિયા પર ઇ-2 સ્ટીલ્થ બોમ્બર્સ વિમાનનો એક વીડિયો શેર કર્યો છે, જેનાથી હુમલાની આશંકા વધુ તેજ થઈ છે.
અહેવાલો મુજબ, ટ્રમ્પ હવે ઈરાન પર નવા હુમલા કરવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા છે. જોકે, મંગળવારે તેમણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથેની વાતચીતમાં વ્યૂહનીતિને વધુ એક તક આપવાની વાત કહી હતી, પરંતુ ગુરુવાર રાત સુધીમાં તેમનું વલણ અચાનક ઘણું કડક થઈ ગયું હતું. ટ્રમ્પે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે, ’ઈરાન ડીલ કરવા માટે બેતાબ છે. અમે તેમને અગાઉ જોરદાર ફટકો આપ્યો હતો અને અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે ઈરાન કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર ન રાખી શકે.’



