અધિક માસમાં લાખો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ: પીવાનું પૂરતું પાણી, લોકર, હેલ્પ ડેસ્ક કે ચોક્કસ ગાઈડલાઈન ન હોવાથી હાલાકી
મંદિર ચોકમાં ઉભરાતી ગટરો અને સિક્યોરિટીના ગેરવર્તનથી યાત્રિકો ત્રસ્ત: વ્યવસ્થા સંભાળી શકે તેવા બાહોશ અધિકારીની તાતી જરૂરિયાત, સુચારુ સંકલનનો સદંતર અભાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં હાલ વહીવટી તંત્રની અણઆવડત અને આડોડાઈઓ રોજેરોજ બહાર આવી રહી છે. મંદિરમાં સુચારુ વ્યવસ્થા સંભાળી શકે એવા સારા અને સક્ષમ અધિકારીઓની જરૂર હોવાનો ચારેકોરથી સૂર ઉઠ્યો છે. હાલ ચાલી રહેલા પવિત્ર “અધિક માસ”માં દેવદર્શન માટે દૂર-દૂરથી આવતા લાખો ભક્તોને આધ્યાત્મિક શાંતિના બદલે ભીડ, ગરમી, ધક્કામુક્કી અને અવ્યવસ્થાનો કડવો અનુભવ થઈ રહ્યો છે. દ્વારકા સુધીની ટ્રેનોની સુવિધા વધતા દેશભરમાંથી યાત્રિકોનો પ્રવાહ વધ્યો છે, પરંતુ સ્થાનિક લોકોના મતે અહીંનું તંત્ર સાવ ખાડે ગયું છે. ધોમધખતા તાપમાં ભક્તો માટે પીવાના પાણીના પૂરતા કૂલર નથી, તો બીજી તરફ રેલવે/બસ સમયપત્રક, ઓનલાઈન પ્રસાદ નોંધણી, બાળકોનું સેન્ટર, હેલ્પ ડેસ્ક કે ઉતારાની વ્યવસ્થા જેવી કોઈ પાયાની સુવિધાઓ દેખાતી નથી. યાત્રિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે મંદિરમાં આવતું અઢળક દાન આખરે જાય છે ક્યાં? સામાન્ય ભક્તો તાપમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ધક્કા ખાય છે, જ્યારે કહેવાતા ટઈંઙ કે ઉચ્ચ અધિકારીઓ આવે ત્યારે તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીને સીધા દર્શન કરાવાય છે. ભક્તોમાં એવો આક્રોશ છે કે ભગવાનના દરબારમાં સૌ સમાન હોવા છતાં આ ભેદભાવ શા માટે? આ ઉપરાંત, મંદિરમાં તૈનાત સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા ભક્તોને હડસેલા મારવા અને મહિલાઓ સાથે પણ સન્માનજનક વર્તન ન થતું હોવાની ફરિયાદો ઉઠી છે. વહીવટદાર સહિતના અધિકારીઓ આવા ગાર્ડ્સ પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે. અધિક માસના મહોત્સવો વચ્ચે દ્વારકા નગરપાલિકાની ઘોર બેદરકારી પણ સામે આવી છે. મંદિર ચોક અને મુખ્ય રસ્તાઓ પર ગંદકી અને ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે યાત્રાળુઓને નરક સમાન ગટરો ઓળંગીને ફરજિયાત દર્શને જવું પડે છે. તંત્રની આ લાપરવાહીથી શ્રદ્ધાળુઓમાં નિરાશા અને તિરસ્કારની લાગણી ઉદ્ભવી છે.



