એક દાયકાથી મુંબઈમાં કલાકાર બનીને છુપાયેલો આજીવન કેદનો પાકો કેદી હેમંત મોદી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો. ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી પકડાયેલા આ ગુજરાતી કલાકારની સાચી ઓળખથી પોલીસ પણ ચોંકી ગઈ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શાતિર ગુનેગારની ધરપકડ કરી છે, જેની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ રસપ્રદ છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં કલાકાર તરીકે ઓળખ બનાવીને નાસતો ફરતો આજીવન કેદની સજાનો પાકો કેદી આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપાયેલા હેમંત મોદી નામના ગુજરાતી કલાકારની અસલી ઓળખ સામે આવતાં ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
- Advertisement -
વર્ષ 2005માં નરોડામાં કરી હતી ઘાતકી હત્યા
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ગુનાઈત મામલાની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, જ્યારે હેમંત મોદીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ઘાતકી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા તેને મહેસાણા જેલમાં મોકલી અપાયો હતો. જેલવાસ દરમિયાન માનસિક રીતે તૂટી ગયેલા હેમંતે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા, કારણ કે તેને લાગતું હતું કે હવે તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થઈ જશે. જો કે, વર્ષ 2014માં તેને કોર્ટ તરફથી પેરોલ મળ્યા હતા. જેલની બહાર આવતાં જ તેણે પાછા ફરવાને બદલે કાયમ માટે ગાયબ થઈ જવાનો પ્લાન બનાવી લીધો હતો.
વોન્ટેડ ગુનેગાર મુંબઈમાં ‘સ્ટ્રગલિંગ એક્ટર’ બન્યો
- Advertisement -
પેરોલ જમ્પ કરીને ભાગ્યા બાદ હેમંત સીધો મુંબઈ પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાનો લોહિયાળ ભૂતકાળ છુપાવીને એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર તરીકે નાટકો અને ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે, જે પોલીસ રેકોર્ડમાં તે એક મોટો વોન્ટેડ ગુનેગાર હતો, તે જ સમયે તે મોટા પડદા પર બોલિવૂડની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ અને ‘જયેશભાઈ જોરદાર’ જેવી ફિલ્મો તેમજ અનેક હિન્દી સિરિયલો અને નાટકોમાં નાના-મોટા રોલ પ્લે કરી રહ્યો હતો, આ ઉપરાત ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યો હતો. વર્ષો સુધી કેમેરા સામે સક્રિય હોવા છતાં કોઈને પણ તેની સાચી ઓળખની આશંકા સુધ્ધાં ન ગઈ.
ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી જાળ
લાંબા સમયથી ગુમ થયેલો આ પાકો કેદી અમદાવાદમાં જ ક્યાંક છુપાયો હોવાની અને કોઈને મળવા આવવાનો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવ્યું અને તેના જૂના સંપર્કોની કડીઓ જોડીને વોચ રાખવાનું શરૂ કર્યું હતું.
આખરે ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાન્ચે ગોઠવેલી જાળમાં આરોપી હેમંત મોદી આબાદ ફસાઈ ગયો હતો. શરૂઆતમાં તેણે પોતાની એક્ટિંગની કળા વાપરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો અને અસલી ઓળખ છુપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની આગવી પૂછપરછ સામે તેની બધી એક્ટિંગ ફેઈલ થઈ ગઈ હતી અને આખરે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે તેની અટકાયત કરી જેલ ભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.




