થાન તાલુકામાં 12 કલાકમાં ગેરકાયદે ખાણમાં ડૂબી જવાથી બે યુવકના મોત નિપજતા તંત્ર સામે રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
થાન તાલુકામાં મોટા પ્રમાણમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કાબીસેલ સહિતની ખનીજ સંપત્તિના ખનન માટે ખાડાઓ (ખાણ) કરવામાં આવ્યા છે. જેમાં તંત્રની રેઇડ અને કામગીરી બાદ હાલ મોટાભાગના ખાડાઓ પરથી ગેરકાયદેસર ખનન બંધ છે પરંતુ ખોદકામ બાદ ખુલ્લા છોડી દેવામાં આવેલ ખાડાઓ ! હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. થાન તાલુકામાં રહેતો યુવક રોહિત મનજીભાઈ મકવાણા (ઉ.વ.23) ઘરેથી સાંજના સમયે ગયા બાદ રાત સુધી ઘરે પરત નહી આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. શોધખોળદરમિયાન યુવકના કપડા અને ચપલ સહિતનો સામાન દેવપરા ગામની સીમમાં આવેલી ખાણ પાસેથી મળી આવતા પરિવારજનોને યુવક ખાણના પાણીમાં ડૂબ્યો હોવાની આશંકાઓ જતા રાત્રે જ સ્થાનિક પાલિકાની ફાયર ફાયટર ટીમ સહિત તંત્રના અધિકારીઓને જાણ કરી હતી. સવારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમ સહિતનાઓએ સ્થળ પર પહોંચી ડૂબેલા યુવકના મૃતદેહને બહાર કાઢવા શોધખોળ હાથ ધરી હતી અને ત્રણથી ચાર કલાકની જહેમત બાદ ખાણમાંથી ડુબેલા યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવક ખાણના પાણીમાં નહાવા ગયો હોવાથી ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે યુવકના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જયારે બીજી બાજુ 12 કલાકમાં ખાણમાં ડુબી જવાથી બે યુવકોના મોત નીપજતા તંત્ર સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ખુલ્લી ખાણો સહિત ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.



