દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિષિથ પ્રામાણિક, ખુદીરામ ટુડૂ અને અશોક કીર્તનિયા મંત્રી બન્યા: PM મોદીએ બંગાળની ધરતીને નતમસ્તક થઈ જનતાનો આભાર માન્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સુવેન્દુ અધિકારી શનિવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. તેમના સિવાય દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડૂ અને નિશિથ પ્રમાણિકે પણ મંત્રી પદના શપથ લીધા.
સુવેન્દુએ બંગાળીમાં ઈશ્વરના નામે શપથ લીધા. શપથ લીધા પછી, સુવેન્દુ પીએમ પાસે ગયા અને તેમને નમીને પ્રણામ કર્યા.
બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ સુવેન્દુ ઉપરાંત અન્ય 5 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા. આમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિશિથ પ્રમાણિકના નામનો સમાવેશ થાય છે.
આ શપથવિધિમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા. કાર્યક્રમમાં સૌથી પહેલા મોદીએ મંચ પર રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.
પીએમએ મંચ પર ભાજપના 98 વર્ષીય કાર્યકર્તા માખનલાલ સરકારનું સન્માન કર્યું. મંચ પર આવતા જ વડાપ્રધાન સીધા સરકાર પાસે ગયા, તેમને શાલ ઓઢાડી અને પછી તેમના ચરણ સ્પર્શ કર્યા.
નોંધનીય છે કે, 1970માં પૂર્વ મેદિનીપુરના કોંતલી ગામમાં જન્મેલા સુવેન્દુનો બાળપણથી જ આસ્થા તરફ ઝુકાવ છે. દર શનિવારે રામકૃષ્ણ મિશન જવું તેમનો નિયમિત રૂટિન હતું. તેઓ બાળપણમાં એટલા ધાર્મિક હતા કે ઘરનાને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક દીકરો સંન્યાસી ન બની જાય.
ઘરમાં જમા સિક્કા પણ ચૂપચાપ મિશનમાં દાન કરી આવતા હતા. પરિવારને લાગતું હતું કે, ક્યારેય પણ ઘર છોડી શકે છે. પરંતુ સુવેન્દુએ બીજો નિર્ણય લીધો… સંન્યાસ નહીં, રાજનીતિ કરશે અને લગ્ન પણ નહીં કરે. 80ના દાયકાના અંતમાં કાંથીના પ્રભાત કુમાર કોલેજથી સુવેન્દુની વિદ્યાર્થી રાજનીતિ શરૂ થઈ. ધીમે ધીમે પૂર્વ મેદિનીપુરમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી.



