ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ત્રણ અત્યંત મહત્ત્વના વિધેયકોને લઈને લોકસભામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે થયેલા પ્રાથમિક મતદાનમાં જે આંકડા સામે આવ્યા છે તેણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. આજે સાંજે 4 વાગ્યે થનારું અંતિમ મતદાન નક્કી કરશે કે આ ઐતિહાસિક સુધારો પસાર થશે કે કેમ. આ વિધેયકો ગુરુવારે રજૂ કરાયા, ત્યારે થયેલા ડિવિઝનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સદનમાં હાજર 436 સાંસદોમાંથી 185 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે, એટલે કે, લગભગ 42% સાંસદો શરૂઆતી તબક્કે જ સરકારની સાથે દેખાયા નથી. બંધારણીય સુધારા માટે સરકારને બે-તૃતિયાંશ (2/3) બહુમતીની જરૂર છે, જે હાલના સંજોગોમાં પડકારજનક દેખાઈ રહી છે.
શું છે બહુમતીનું ગણિત?
લોકસભાની હાલની સ્થિતિ જોતા સરકાર માટે આંકડાકીય લક્ષ્ય આ મુજબ છે:
ગૃહની પ્રભાવી સંખ્યા: 540
જરૂરી સમર્થન (2/3 બહુમતી): ઓછામાં ઓછા 360 સાંસદો
જો વિપક્ષ પોતાની એકતા જાળવી રાખે અને તૃણમૂલ કોંગ્રેસના વધુ 20 સાંસદો આજે મતદાનમાં જોડાય, તો સરકાર માટે 360નો આંકડો મેળવવો મુશ્કેલ બની શકે છે.
સામાન્ય રીતે પ્રસ્તાવો ધ્વનિ મતથી પસાર થતા હોય છે, પરંતુ આ વિધેયકો પર વિવાદ હોવાથી ઓટોમેટિક વોટ રેકોર્ડર સિસ્ટમ દ્વારા મતદાન થશે. જેમાં સાંસદોએ ‘હા’, ‘ના’ અથવા ગેરહાજરના વિકલ્પ પસંદ કરવાના રહેશે. તમામ રાજકીય પક્ષોએ પોતાના સાંસદોને વ્હીપ (ઠવશા) જારી કરીને હાજર રહેવા આદેશ આપ્યો છે.
ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની હાજરી મર્યાદિત હતી, પરંતુ આજે મમતા બેનર્જીની પાર્ટીના આશરે 20 સાંસદો દિલ્હી પહોંચી મતદાનમાં ભાગ લે તેવી શક્યતા છે. આ વધારાના મતો વિપક્ષના પલડાને ભારે કરશે.



