જૂનાગઢમાં મનપાની બેદરકારીનો વધુ એક પુરાવો
જવાહર રોડ પર અણઘડ ખોદકામ, ખુલ્લો મૂકાયેલો બોર જોખમી બન્યો
- Advertisement -
જાહેર ડંકીને દૂર કરી પરંતુ તેના બોરને યોગ્ય રીતે સીલ ન કરતા ભૂગર્ભનું પાણી ભળી ગયુ
વિપક્ષી નેતા લલિત પરસાણા દ્વારા આ સમગ્ર મામલો ઉજાગર કરવામાં આવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત જવાહર રોડ વિસ્તારમાં ચાલી રહેલી રોડ અને ભૂગર્ભ સુવિધાઓની કામગીરી દરમિયાન ગટરનું ગંદુ પાણી સીધું જ પીવાના પાણીના સ્ત્રોત એવા બોરમાં ઉતરી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ પણ વધતી જોવા મળી રહી છે.
હાલ જૂનાગઢ શહેરમાં રોડ, ગટર અને પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. પરંતુ કામ દરમિયાન આયોજન અને સંકલનના અભાવને કારણે આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. જવાહર રોડ પર જેસીબી દ્વારા ખોદકામ કરતી વખતે રસ્તાની બાજુમાં આવેલી જાહેર ડંકીને દૂર કરવામાં આવી હતી, પરંતુ તેના બોરને યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યો ન હતો. પરિણામે બોર ખુલ્લો જ રહી ગયો હતો. આ દરમિયાન ખોદકામને કારણે નજીકની ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જતાં ગટરનું પાણી રસ્તા પર ભરાઈ ગયું હતું. આશ્ચર્યજનક રીતે આ ગંદુ પાણી સીધું જ ખુલ્લા બોરમાં ઉતરવા લાગ્યું હતું. હજારો લીટર દુર્ગંધયુક્ત અને બેક્ટેરિયાભર્યું પાણી જમીનમાં ઉતરતા આસપાસના વિસ્તારોના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થવાની ગંભીર શક્યતા ઉભી થઈ છે.
આ સમગ્ર મામલો વિપક્ષી નેતા લલિત પરસાણા દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો. તેઓ ઘટના સ્થળે દોડી જઈ આ બેદરકારીને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જાહેર કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક ધોરણે બોરમાં નવો કેસિંગ પાઈપ નાખીને તેને પેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં સુધીમાં ગંદુ પાણી જમીનમાં ઉતરી ગયું હતું અને હવે તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. જવાહર રોડ વિસ્તારના રહીશો આ મામલે ભારે ચિંતિત છે. તેઓનું માનવું છે કે પીવાના પાણીમાં ગંદકી ભળવાથી ડાયેરિયા, ટાઈફોઈડ જેવી બીમારીઓ ફેલાઈ શકે છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો આવનારા દિવસોમાં આરોગ્ય સંકટ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?
શહેરમાં સતત આવી ઘટનાઓ સામે આવતાં મનપાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ કરોડો રૂપિયાના વિકાસ કામોની જાહેરાત થાય છે, તો બીજી તરફ મૂળભૂત સુવિધાઓ જ જોખમમાં મુકાઈ રહી છે. કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેની અસર અંગે પૂરતું ટેકનિકલ વિશ્લેષણ ન થતું હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. જવાહર રોડની આ ઘટના માત્ર એક ઉદાહરણ છે, પરંતુ તે સમગ્ર તંત્રની કાર્યશૈલી પર પ્રશ્નચિહ્ન મૂકે છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં : ટેક્નિકલ પ્લાનિંગ વિના મનપાની કામગીરી
જૂનાગઢના શાસકો તમામ ક્ષેત્રે નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ કરોડોના ખર્ચે નવા રોડ બનાવવાની વાતો થાય છે, તો બીજી તરફ હયાત પ્રાથમિક સુવિધાઓનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. કોઈ પણ કામગીરી શરૂ કરતા પહેલા તેની અસરો શું થશે તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવતું નથી. જૂનાગઢની જનતા ટેક્સ ભરે છે અને બદલામાં તેમને ‘પ્રદૂષિત પાણી’ અને ‘અધૂરા રસ્તા’ મળી રહ્યા છે. જવાહર રોડની આ ઘટના માત્ર એક ઉદાહરણ છે, પરંતુ તે મનપાની સંપૂર્ણ કાર્યપ્રણાલી પર સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે જવાબદાર એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં ભરે છે કે પછી હંમેશાની જેમ લોકઆરોગ્યને રામભરોસે છોડી દેવામાં આવશે.



