આજે આરોગ્ય દિવસ : ગુજરાતમાં રોજ સરેરાશ 3200થી વધુ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગુજરાતમાંથી 7 વર્ષમાં 65.05 લાખ દર્દી પાછળ રૂપિયા 1492 કરોડની ખર્ચ થયો છે. આયુષ્યમાન યોજનામાં દર્દીઓ પાછળ સૌથી વધુ રકમનો અત્યાર સુધી ખર્ચ થયો હોય તેમાં ગુજરાત બીજા સ્થાને છે. આજે ’આરોગ્ય દિવસ’ છે ત્યારે ગુજરાતમાં દર્દીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. 23 સપ્ટેમ્બર 2018ના આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 1 માર્ચ 2025 સુધીની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 3268 દર્દીને આયુષ્યમાન યોજના હેઠળ દાખલ કરવામાં આવે છે. આયુષ્યમાન યોજનામાં આ સમયગાળામાં દર્દીઓ પાછળ સૌથી વધુ રકમ ખર્ચાઇ હોય તેવા રાજ્યમાં આંધ્ર પ્રદેશ 17 હજાર કરોડ સાથે મોખરે, ગુજરાત બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. પરિવારદીઠ દર વર્ષે હોસ્પિટલમાં દાખલ થવા પાછળ સૌથી વધુ ખર્ચ થતો હોય તેવા રાજ્યમાં ગુજરાત ચોથું સ્થાન ધરાવે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના અભ્યાસ અનુસાર શહેરી પરિવારમા હોસ્પિટલમાં દાખલ પાછળ દર વર્ષે સરેરાશ સૌથી વધુ ખર્ચ થતો હોય તેમાં કેરળ રૂપિયા 13140 સાથે મોખરે, મહારાષ્ટ્ર રૂપિયા 9122 સાથે બીજા, પંજાબ રૂપિયા 8272 સાથે ત્રીજા જયારે ગુજરાત રૂપિયા 7711 સાથે ચોથા સ્થાને છે. શહેરી વિસ્તામાં એક ગુજરાતી હોસ્પિટલમાં દાખલ થાય તો તેની પાછળ સરેરાશ રૂપિયા 2014નો ખર્ચ થાય છે. ગુજરાતના શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળ પ્રમાણમાં ઓછો ખર્ચ થાય છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પરિવારદીઠ હોસ્પિટલમાં દાખલ થવા પાછળ વાર્ષિક સરેરાશ રૂપિયા 4071 ખર્ચ થતો હોવાનું આ અહેવાલમાં સામે આવ્યું છે.



