લીવરનો વાઇર ચોટી જતા બની ઘટના, સદનશીબે જાનહાની ટળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢના પંચહાટડી અને માંગનાથ રોડ પર ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે. સાંકડા રસ્તાઓ અને આડેધડ પાર્કિંગને કારણે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે ગત રોજ એક મહિલા પોતાનું એક્ટિવા પાર્ક કરવા જઈ રહ્યા હતા તે સમયે અચાનક એક્ટિવાનો લિવર વાયર ચોંટી ગયો હતો. વાહન પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા ફિલ્મી સ્ટાઈલથી માંગનાથ રોડ પર આવેલ સિલ્વર શોપિંગ સેન્ટરના પગથિયાં ઉતરીને સીધું અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં જઈ ખાબક્યું હતું.
આ ગંભીર અકસ્માતમાં મહિલાને શરીરે મૂઢ માર વાગ્યો છે અને સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. જોકે, આ ઘટના સમયે જો બેઝમેન્ટના પગથિયાં પાસે કોઈ વેપારી કે ગ્રાહક ઊભા હોત, તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. આ ઘટનાએ બજારમાં વાહન ચાલકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા અને ટ્રાફિકના કાયમી નિરાકરણ માટે માંગ ઉઠાવી છે.



