જૂનાગઢ મનપાના ડમ્પિંગ સાઈટના કચરામાં કડદાની શંકાસ્પદ આગ
કુદરતી આફત કે કરોડોના ‘લેગેસી વેસ્ટ’ કૌભાંડને છુપાવવાનું સુનિયોજિત કાવતરું? – વિપક્ષ નેતા
- Advertisement -
ડમ્પિંગ સાઈટની આગ ભ્રષ્ટાચારના પુરાવા સળગાવવાનું કાવતરું હોવાનો ગંભીર આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ શહેરના કચરાના નિકાલ માટેના મુખ્ય ડમ્પિંગ યાર્ડમાં સમયાંતરે ફાટી નીકળતી ભીષણ આગ હવે માત્ર એક સંજોગ નથી, પરંતુ ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટેનું એક સુનિયોજિત કાવતરું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ આ મામલે મનપા કમિશનરને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે અને સમગ્ર પ્રકરણની તટસ્થ ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે. વિપક્ષી નેતાના જણાવ્યા અનુસાર, ડમ્પિંગ સાઈટ પર વારંવાર લાગતી આગ પાછળ કરોડો રૂપિયાનું ‘લેગેસી વેસ્ટ’ (જૂના કચરાના પહાડો) કૌભાંડ છુપાયેલું છે. મહાનગરપાલિકા દ્વારા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે તેમાં ’હોળી’ કરી પ્રજાના પરસેવાની કમાણીને ધુમાડામાં ફેરવી દેવામાં આવી રહી છે. જાગૃત નાગરિકોમાં પણ એવી ચર્ચા છે કે આ આગ કુદરતી રીતે લાગતી નથી, પરંતુ લગાડવામાં આવે છે. તેવા સવાલો ઉભા કરી ગંભીર આક્ષેપ કર્યા છે.
- Advertisement -
વિપક્ષની મુખ્ય માંગણીઓ શું છે.?
1, ડમ્પિંગ સાઈટ પર લાગેલી તમામ આગની ઘટનાઓની ન્યાયિક તપાસ કરવામાં આવે.
2, સાઈટ પરના સીસીટીવી ફૂટેજની ફોરેન્સિક તપાસ કરવામાં આવે જેથી આગ લગાડનારા તત્વો ખુલ્લા પડે.
3, લેગેસી વેસ્ટના કામમાં થયેલા ભ્રષ્ટાચારનું સ્પેશિયલ ઓડિટ કરવામાં આવે.
4, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના રિપોર્ટ વગર પેમેન્ટ કરનારા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.
વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા અણીયાળા સવાલો
1, ટેન્ડર અને પેમેન્ટ સમયે જ આગ કેમ?
સૌથી મોટો પ્રશ્ર્ન એ ઉભો થાય છે કે જ્યારે પણ લેગેસી વેસ્ટના નિકાલ માટેના નવા ટેન્ડર બહાર પાડવામાં આવે છે અથવા એજન્સીના કરોડો રૂપિયાના પેમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, ત્યારે જ કેમ ડમ્પિંગ સાઈટ પર ભીષણ આગ લાગે છે? આ એક ગંભીર સંકેત છે કે કાગળ પર કચરાનો જથ્થો ઓછો બતાવવા અને કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેવું સાબિત કરવા માટે જાણીજોઈને આગ લગાડવામાં આવે છે.
2, મિથેન ગેસનું કાયમી અને સસ્તું બહાનું
તંત્ર દર વખતે આગ લાગવાનું કારણ ‘મિથેન ગેસ’ ગણાવીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લે છે. જો મિથેન ગેસનું જોખમ દર વર્ષે હોય, તો તેને ડ્રેનેજ કરવાની અથવા તેના નિકાલની વૈજ્ઞાનિક પદ્ધતિઓ જૂનાગઢ મનપા કેમ અપનાવતી નથી? આ બહાનું માત્ર ભ્રષ્ટાચારને છુપાવવા માટેનો એક રસ્તો હોય તેમ જણાય છે.
3, ચોક્કસ લોકેશન પર જ આગનું રહસ્ય
આશ્ર્ચર્યની વાત એ છે કે આગ હંમેશા ડમ્પિંગ યાર્ડના એવા જ વિસ્તારોમાં લાગે છે જ્યાં સૌથી વધુ કચરો હોય અથવા જ્યાં ટેન્ડરની શરતો મુજબ કામગીરી બતાવવાની બાકી હોય. આ બાબત સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે આ કોઈ કુદરતી ઘટના નથી પરંતુ એક આયોજનબદ્ધ કૃત્ય છે.
4, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં મોટું કૌભાંડ હોવાનો દાવો
લલિત પરસાણાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સરકારી ટેન્ડરમાં ‘થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન’ (ઝઙઈં) ફરજિયાત હોય છે. સી.સી. પટેલ નામની એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમના દ્વારા જરૂરી રિપોર્ટ લેવામાં આવતા નથી. એજન્સી દ્વારા વૈજ્ઞાનિક ઢબે કામ ન થતું હોવા છતાં અધિકારીઓએ મિલીભગત કરી મોટા બિલો મંજૂર કરી દીધા છે. નિયમ મુજબ દરેક તબક્કે રિપોર્ટ લેવાના હોય છે, પરંતુ માત્ર બે જ વાર રિપોર્ટ લઈને કરોડોનું પેમેન્ટ ઓડિટમાં મોકલી આપવામાં આવ્યું છે, જે મસમોટા ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે.
5, પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
ગિરનારની તળેટીમાં આવેલી આ ડમ્પિંગ સાઈટ પરની આગને કારણે નીકળતો ઝેરી ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાય છે. આ પ્રદૂષણથી આસપાસના રહેણાંક વિસ્તારોના લોકોમાં શ્ર્વાસની બીમારીઓ વધી રહી છે. એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગણાતા ગિરનારની ઇકોસિસ્ટમને પણ આ ઝેરી ધુમાડો નુકસાન પહોંચાડી રહ્યો છે. તારીખ 26/02/2026 ના રોજ આ બાબતે કમિશનરને પત્ર લખીને અગાઉ પણ ચેતવવામાં આવ્યા હતા. હવે જો આગામી દિવસોમાં આ મામલે કોઈ નક્કર તપાસ નહીં થાય, તો વિપક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.



