નવી દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહેલા AI સમિટ 2026માં એક કમાલની નવી ડિવાઇસ રજૂ કરવામાં આવી છે. આ ડિવાઇસ એવો દાવો કરે છે કે તેના દ્વારા માત્ર 30 મિનિટમાં કેન્સરને શોધી કાઢવામાં આવશે. વિપ્રોના સંધ્યા અરુણે AI દ્વારા ચાલતી MRI મશીન રજૂ કરતાં જણાવ્યું કે આ મશીન ખૂબ ઝડપથી કેન્સર શોધી કાઢે છે અને સારવારને ઝડપી, ચોક્કસ અને સસ્તી બનાવે છે.
ગંભીર સ્થિતિથી બચી શકશે દર્દી
- Advertisement -
હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ ઝડપથી દેખાઈ રહ્યો છે. આથી જ દિલ્હી ખાતે ભારત મંડપમમાં ચાલી રહેલા AI સમિટમાં આ MRI મશીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ નવી AI ડિવાઇસ પેટ સંબંધિત બીમારીઓ અને ખાસ કરીને કેન્સરને ખૂબ જ સરળતાથી અને સમયસર શોધી શકે છે. આ મશીન દ્વારા દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચતા પહેલાં સારવાર મળી શકે. ઘણી વાર એવું થાય છે કે છેલ્લા સ્ટેજ સુધી વ્યક્તિને ખબર જ નથી પડતી. તેમ જ એવું પણ બને છે કે કેન્સર જલદી પકડાતું નથી. આથી આવા કેસમાં આ મશીન ખૂબ જ કામ આવી શકે છે.
વિપ્રોના ચીફ ટેક્નિકલ ઓફિસર સંધ્યા અરુણ આ વિશે કહે છે, ‘આ ડિવાઇસ શરૂઆતના સ્ટેજમાં જ કેન્સર શોધી કાઢે છે. આથી દર્દીને સમયસર સારવાર મળી શકે છે અને ઘણા કેસોમાં સર્જરીની જરૂર પણ નહીં પડે. સમયસર કેન્સરનું નિદાન થવું એનો સૌથી મોટો ફાયદો છે, કારણ કે બીમારી જેટલી વહેલી પકડાશે, સારવાર એટલી સરળ અને અસરકારક બનશે.’
કેવી રીતે કામ કરે છે મશીન?
- Advertisement -
આ AI આર્મ રોબોટિક MRI મશીન સૌથી પહેલા દર્દીના પેટનું સ્કેન કરે છે. સ્કેનનું પરિણામ રિયલ-ટાઇમ સ્ક્રીન પર દેખાય છે. આથી ડોક્ટર તરત સમજી શકશે કે અંદર શું સમસ્યા છે અને આગળ શું કરવું.
કેન્સરને કેવી રીતે શોધવામાં આવશે?
આ મશીન સ્કેનમાં ટ્યુમર અથવા કેન્સર સંબંધિત કોઈ અસામાન્યતા પર નજર રાખે છે. જો એ જોવા મળ્યું તો AI તરત તેનું વિશ્લેષણ કરે છે અને જણાવે છે કે તસવીરમાં શું દેખાઈ રહ્યું છે. કંપનીનું કહેવું છે કે 30–45 મિનિટમાં આખું સ્કેન અને રિપોર્ટ તૈયાર થઈ જાય છે.
શું માત્ર પેટનું જ સ્કેન થશે?
વિપ્રોની તરફથી જણાવાયું કે આ AI મશીનમાં ચાર અલગ-અલગ આર્મ લગાવવામાં આવ્યા છે. આ ચારેય આર્મની મદદથી આખા શરીરનું સ્કેન થઈ શકે છે. એક આર્મ મિડ-બોડી સ્કેન માટે છે અને બાકીની અલગ-અલગ ભાગો માટે. આથી આખા શરીરની તપાસ સરળતાથી થઈ શકે છે.
મશીનના અન્ય ફાયદા
એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મશીનથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. સાથે જ આ ભારતની પહેલી AI દ્વારા ચાલતી MRI મશીન છે. આ મશીન સ્કેન સમયને પણ લગભગ 37 ટકા સુધી ઘટાડે છે અને 75 ટકા સુધી હીલિયમનો ઉપયોગ પણ ઓછો કરે છે. એટલે આ મશીન દ્વારા ઝડપી, ચોક્કસ અને સસ્તી તપાસ કરવામાં આવશે અને દર્દીને વહેલી સારવાર મળી શકશે.




