ખનીજ ચોરીના અહેવાલો પ્રસિદ્ધ કરવા મુદ્દે ત્રણ અજાણ્યા શખ્સે પાઈપથી માર માર્યો
ચોથી જાગીર પર હુમલો સહન નહીં કરી લેવાય: પોરબંદરના પત્રકારો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં ડિવાયએસપી ઓફિસ અને કલેક્ટર કચેરી નજીક નિડર પત્રકાર ઓમ જોશી પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ખનીજ ચોરીના અહેવાલો લખવા બદલ તેમને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં પત્રકારને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના બુધવારે સાંજે 5:30થી 6:00 વાગ્યાના અરસામાં બની હતી. પત્રકાર ઓમ જોશી કલેક્ટર કચેરીથી માહિતી મેળવી પરત ફરી રહ્યા હતા ત્યારે ડિવાયએસપી (ગ્રામ્ય) ઓફિસની પાછળના ભાગે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને આંતર્યા હતા. હુમલાખોરો લોખંડના પાઈપ અને ધોકા જેવા હથિયારોથી સજ્જ હતા.
પત્રકાર ઓમ જોશીએ જણાવ્યું કે, હુમલાખોરોએ તેમને ખનીજ ચોરી વિશે અહેવાલો લખવા બદલ નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ કહ્યું કે, તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અહેવાલો લખે છે, આજે તો તને જીવતો મૂકવો જ નથી. ત્યાર બાદ તેમના પર પાઈપ વડે હુમલો કર્યો હતો. જીવ બચાવવા પત્રકાર કલેક્ટર કચેરી તરફ દોડ્યા હતા, પરંતુ તે દરમિયાન તેમના ડાબા હાથ પર પાઈપનો જોરદાર ફટકો વાગતાં ગંભીર ઈજા થઈ હતી.
હુમલા દરમિયાન તેમની દોઢ તોલાની સોનાની વીંટી પણ ક્યાંક પડી ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે. આ ઘટના બાદ પત્રકારે તાત્કાલિક 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. હાલ તેમને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્રકાર ઓમ જોશીએ આક્ષેપ કર્યો છે કે, આ હુમલા પાછળ કોઈ મોટી ગેંગ અથવા ખનીજ માફિયાઓનું કાવતરું હોઈ શકે છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવે ભારે ચકચાર જગાવી છે ત્યારે એક ચર્ચા એવી પણ સાંભળવા મળી રહી છે કે, પોલીસ આરોપીઓ સુધી પહોંચ્યા બાદ આ બાબતે ઊંડાણપૂર્વક અને કોઈની શેહશરમ રાખ્યા વગર તપાસ કરે તો ખનીજચોરીનું મોટું નેટવર્ક અથવા કોઈ મોટી ગેંગ પણ પોલીસ સકંજામાં આવી શકે તેમ છે.
ધારાસભ્ય – મંત્રીએ ફોન પર ઓમ જોશીના ખબર-અંતર પૂછ્યા
- Advertisement -
પોરબંદર જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ અને ખનીજ ચોરી જેવા મુદ્દાઓને સતત બહાર લાવનાર નિડર પત્રકાર ઓમ જોષી પર અજાણી ગેંગના ત્રણ શખ્સો દ્વારા ધોળા દિવસે હુમલા કર્યાની ઘટના બન્યા બાદ પત્રકાર સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં પત્રકારો હોસ્પિટલ પહોંચ્યા હતા અને બનાવની કડક નિંદા કરી હતી. પત્રકારો પર થતા હુમલાઓ લોકશાહી માટે ખતરાનાં સંકેત હોવાનું અને તેને સહન કરી લેવામાં નહીં આવે એવું પત્રકાર અગ્રણીઓએ જણાવ્યું હતું. આ દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ફોન પર ઓમ જોશીના ખબર-અંતર પૂછ્યા અને ઝડપથી આરોપીઓ પકડી કડકમાં કડક સજા કરાવવાની બાહેંધરી આપી હતી.



