સંઘ લોક સેવા આયોગ(UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા(CSE) માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોગે સેવા ફાળવણી અને ડિજિટલ સુરક્ષાને લઈને અત્યંત મહત્ત્વના અને કડક ફેરફારો કર્યા છે.
IPS માટે કડક જોગવાઈ: ફરી એ જ સેવાનો વિકલ્પ નહીં મળે
- Advertisement -
નવા નિયમો મુજબ, જે ઉમેદવારો અગાઉની પરીક્ષાના આધારે IAS અથવા IFS તરીકે નિયુક્ત થઈ ચૂક્યા છે, તેઓ CSE 2026ની પરીક્ષામાં બેસી શકશે નહીં. જો પ્રિલિમિનરી પરીક્ષા પછી અને મેઇન્સ પહેલાં કોઈની નિમણૂક આ સેવાઓમાં થાય છે, તો તેઓ ક્વોલિફાય થયા હોવા છતાં મુખ્ય પરીક્ષા આપી શકશે નહીં. આ ઉપરાંત, આ વર્ષે IPS માટે પણ નિયમો વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ ઉમેદવાર અગાઉ IPS તરીકે પસંદગી પામ્યા હોય, તો તેઓ 2026ના પરિણામના આધારે ફરીથી IPS સેવાનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં.
જૂના અધિકારીઓ માટે છેલ્લી તક
જો તમે 2025 કે તેનાથી પહેલા UPSC પાસ કરીને કોઈ પણ સરકારી નોકરી(IAS, IPS, IRS વગેરે)માં જોડાઈ ગયા છો, તો સરકાર તમને તમારા બાકી રહેલા એટેમ્પ્ટ(તકો) વાપરવા માટે 2026 અને 2027 એમ બે વર્ષની છૂટ આપે છે. આ બે વર્ષ દરમિયાન તમારે પરીક્ષા આપવા માટે તમારી હાલની નોકરીમાંથી રાજીનામું આપવાની જરૂર નથી. પરંતુ જો તમે 2028માં ફરી પરીક્ષા આપવા માંગશો, તો પહેલા નોકરી છોડવી પડશે.
- Advertisement -
ટ્રેનિંગ અને એક્ઝેમ્પશન
જો કોઈ ઉમેદવાર વર્ષ 2026ની પરીક્ષામાં સફળ થઈને ‘ગ્રૂપ A’ સેવામાં સ્થાન મેળવે છે, પરંતુ વધુ સારા રેન્ક અથવા પોતાની મનપસંદ કેડર માટે વર્ષ 2027માં ફરીથી પરીક્ષા આપવા ઇચ્છે છે, તો તેના માટે હવે નવા નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. આવા ઉમેદવારે જે-તે સંબંધિત વિભાગ પાસે વિધિવત રીતે ‘ટ્રેનિંગમાં જોડાવામાંથી મુક્તિ'(Exemption) માંગવી પડશે.
જો ઉમેદવાર ટ્રેનિંગમાં હાજર ન રહે અને આવી કોઈ સત્તાવાર છૂટ પણ ન મેળવે, તો તેનું 2026નું આવેદન રદબાતલ ગણવામાં આવશે. ટૂંકમાં, ટ્રેનિંગમાં ગયા વગર ફરી પરીક્ષા આપવા માટે સરકારની મંજૂરી લેવી હવે ફરજિયાત છે. તેમજ જો ઉમેદવાર 2027માં પરીક્ષામાં સફળ થાય છે, તો તેણે બેમાંથી એક જ સેવા પસંદ કરવાની રહેશે. જો સેવા ચાલુ રાખવી હોય તો 2028 પછી પરીક્ષા આપવા માટે રાજીનામું આપવું અનિવાર્ય બનશે.
UPSCમાં બાયોમેટ્રિક અને AIથી થશે સુરક્ષા
પરીક્ષામાં ગેરરીતિ અને છેતરપિંડી રોકવા માટે UPSCએ ટૅક્નોલૉજીનો આશરો લીધો છે. હવેથી AI-આધારિત ‘ફેશિયલ રેકગ્નિશન’ અને ‘આધાર વેરિફિકેશન’ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉમેદવારોએ હવે એક નવા ચાર-તબક્કાના પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે જે સીધું જ આધાર કાર્ડ સાથે જોડાયેલું હશે.
શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, IAS માટે કોઈ પણ વિષયમાં સ્નાતક (Bachelor’s Degree) હોવું જરૂરી છે, જ્યારે IFS માટે એનિમલ હસબન્ડરી, બોટની, કેમિસ્ટ્રી અથવા મેથેમેટિક્સ જેવા વિશિષ્ટ વિષયો સાથે સ્નાતકની ડિગ્રી હોવી અનિવાર્ય છે.




