ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં આગ કાબૂમાં આવી
કાળાનાળા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગતા ધુમાડો પ્રસરી ગયો
- Advertisement -
ફાયર બ્રિગેડે 7 મિનિટમાં પહોંચી કાચ તોડી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી, કોઈ જાનહાનિ નહીં
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર, તા.3
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તાર નજીક આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં 3-4 હોસ્પિટલો આવેલી છે, જેમાં બાળકોની હોસ્પિટલનો પણ સમાવેશ થતો હોવાથી દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભારે દોડાદોડી મચી ગઈ હતી.
ફાયર ઓફિસર પ્રદ્યુમ્નસિંહે આપેલી માહિતી મુજબ, ફાયર વિભાગને સવારે 9:43 વાગ્યે કોલ મળતાં માત્ર 7 મિનિટમાં જ ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ બેઝમેન્ટના પાર્કિંગમાં લાગી હતી અને તેનો ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગયો હતો. ગૂંગળામણના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
ફાયર ટીમે તત્કાળ બચાવ કામગીરી શરૂ કરી હતી. બાળકોની હોસ્પિટલના પહેલા માળે કાચ તોડીને સીડી મૂકવામાં આવી હતી અને તેમાંથી અંદાજિત 20 નવજાત શિશુઓ સહિત 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓને સુરક્ષિત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરના કમિશનર એન.વી. મીના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ કોઈ જાનહાનિ ન થઈ હોવાની પુષ્ટિ કરી હતી. આગ બુઝાવવા માટે 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા હતા. બેઝમેન્ટમાં લાગેલી આગમાં અંદાજિત 7 ટુ-વ્હીલર અને 3 ફોર-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે બનાવ સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલ અને બિલ્ડિંગ મેનેજમેન્ટની બેદરકારી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પાર્કિંગમાં કચરો હોવાના કારણે આગ લાગી હતી અને ફાયર સેફ્ટીની સિસ્ટમ બંધ હોય તેવું લાગી રહ્યું છે. તેમણે જવાબદાર હોસ્પિટલ અને બિલ્ડિંગ સંચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ભાવનગરના મેયર ભરત બારડે પણ ઘટનાસ્થળ અને બાળકો જે હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા તેની મુલાકાત લીધી હતી. કમિશનરે આગના કારણની તપાસ કરીને પગલાં લેવાની ખાતરી આપી છે.



