ઉન્નત ક્રેડિટ ડિલિવરી, સ્પર્ધાત્મક વ્યાજદરો અને ઝડપી લોન પ્રક્રિયા દ્વારા વ્યવસાયિક સ્થિરતાને ટેકો આપવાની બેંકની ખાતરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા તા. 26 અને 27 નવેમ્બર, 2025ના રોજ ગુજરાતમાં બે દિવસીય ’આઉટરીચ’ પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રાજીવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ફિલ્ડ જનરલ મેનેજર શ્રી વિનોદ પાંડે, જનરલ મેનેજર શ્રી સંજય પી. શ્રીવાસ્તવ અને શ્રીમતી મહિમા અગ્રવાલ સહિતના ટોચના નેતૃત્વએ ગ્રાહકો અને નિકાસકારો સાથે મુલાકાત-સંવાદ કર્યો હતો.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો સાથેના મજબૂત સંબંધો બનાવવા, તેમની નાણાકીય જરૂરિયાતો સમજવા અને પારદર્શક સંવાદ દ્વારા ગ્રાહક સેવા વિસ્તરણ કરવાનો હતો.
બેંકે વ્યવસાયિક સ્થિરતાને ટેકો આપવા માટે ઉન્નત ક્રેડિટ ડિલિવરી, સુધારેલી નિકાસ વૃદ્ધિ, ઝડપી લોન પ્રક્રિયા અને સ્પર્ધાત્મક વ્યાજદરો જેવી સુવિધાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
શ્રી રાજીવાએ નિકાસકારો અને ગ્રાહકોનો બેંકમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગતિશીલ ઉદ્યોગ અને વૈશ્વિક વેપારનું કેન્દ્ર હોવાથી બેંકની વૃદ્ધિ વ્યૂહરચના માટે તે કેન્દ્રક્ષેત્ર છે. બેંક પ્રાદેશિક અને રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે આવા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમોનું આયોજન કરતી રહેશે.



