200થી વધુ ઘરોના રહીશો પરેશાન: 6 વખત રજૂઆત છતાં નિકાલ ન થતાં રોગચાળાનો ભય, તાત્કાલિક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી ગાયત્રી સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ગંદા પાણી ભરાઈ રહેતા અહીંના 200થી વધુ ઘરોના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસું પૂરું થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતા આ સમસ્યા વકરી છે અને હાલમાં તો ભૂગર્ભ ગટર પણ ઉભરાઈ રહી છે, જેના કારણે ગંદી વાસ ઘરો સુધી પહોંચી રહી છે.
વિસ્તારના રહીશો હિમાસુભાઈ રામાણી અને હાર્દિકભાઈ પટેલ સહિતનાઓએ જણાવ્યું કે, આ રોડ પરથી અનેક લોકો પસાર થાય છે અને ગંદા પાણીમાં થઈને જવું પડતા રોગચાળો ફેલાવવાનો ભય વધી ગયો છે. સ્થાનિક જગદીશભાઈ મીરે માહિતી આપી કે, સમસ્યા એટલી ગંભીર છે કે માખી અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને આ વિસ્તાર રોગચાળાનું ઘર બની રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને સમસ્યા દૂર થવાની આશા હતી, પરંતુ આ મામલે ઓનલાઈન અને મૌખિક રીતે 6 વખત રજૂઆત કરવા છતાં તંત્રએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આથી ગાયત્રી સોસાયટીના રહીશોએ તાત્કાલિક ગંદા પાણીનો નિકાલ કરીને તેમને આ મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે મનપા સમક્ષ ઉગ્ર માંગણી કરી છે.



