સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
દિલ ઢૂંઢતા હૈ ફિર વોહી,
ફુરસત કે રાત દિન,
બૈઠે રહે તસવવુરે જાના કિયે હુએ
- Advertisement -
– ગુલઝાર
અત્યારના પ્રચલિત શબ્દપ્રયોગ મુજબ કહું તો 90ત કીડ તરીકે હર વખતે દિવાળીનો સમય અતીતરાગના તારને છેડનારો બની રહે છે. કેટકેટલી યાદોને દિવાળીની સફાઈ કરી ત્યારે મળતી વસ્તુઓ જીવંત કરી દે છે. મન ડાઉન મેમરી લેનમાં જતું રહે છે. અત્યારના બાળકોનું જીવન આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં કેટલું એકવિધ અને પરોક્ષ છે એ નાઇન્ટિઝ કિડ માટે ચર્ચાનો એવરગ્રીન મુદ્દો છે. જોકે, અત્યારે મારુ મન મારા શૈશવની શેરીઓમાં ભ્રમણ કરવા થનગને છે. દિવાળીનો તહેવાર આવે છે. તેની સાથે કેટકેટલી યાદો અંધારા વનમાં ટમટમતા જુગનુઓ માફક મનના આકાશને અજવાળે છે. મન તો અત્યારે બાળપણ અને ટીન-એજ વખતે વારાફરથી આવતા ટ્રેંડમાં પરોવાયેલું છે.
જ્યાં સુધી સ્મૃતિ પહોંચે છે ત્યાં સુધીમાં સૌથી પહેલીવાર ઘેલું પોકેમોન અને ૂૂયના અલ્પેન્લીબે સાથે આવતા ટુ ઇન વન સ્ટીકરે લગાડેલું એ વાત તાજી થાય છે. તેના લીધે ૂૂય જોવાનો શોખ લાગેલો અને અંડરટેકર, જોન સીના, ટ્રીપલ એચ, રોક, રે મિસ્ટીરીઓ, સ્ટોનકોલ્ડ, બિગ શો, શોન માઈકેલ્સ, બટિસ્ટા જેવા કુસ્તીબાજોનો પરિચય થયો. હજી પણ અમૂકવાર યુટ્યુબ પર તેના મેચ જોવાનું મન થાય છે. ૂૂયની મર્ચન્ડાઇઝમાં તે સિવાય મારબલ્સ નામની નાની કેન્ડીના પેક સાથે આવતા મોટા ચમકતા સ્ટીકરનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
પોકેમોનની તો એટલી વેરાયટી આવતી કે તેનો સંઘરો કરવામાં મારે અઠવાડિયામાં 3 4 વાર વેફર, પીપર કે લોલીપોપ લેવી પડતી. અલ્પેન્લીબેના સ્ટીકર તો ખરા જ પણ સાથે અંકલ ચિપ્સ જે હાલ તો ભારતમાંથી નામશેષ થઈ ગઈ છે તેના પડીકા સાથે 3મ કાર્ડ આવતું જે કોઈ પોકેમોનની ઉત્ક્રાંતિના તબક્કા બતાવતું. લોલીપોપ સાથે ચેઝ કાર્ડ આવતા. તથા મારબલની કેન્ડી સાથે મોટા ચળકતા સ્ટીકર પણ ખરા જ. એ સમયે સ્ટીકર કે કાર્ડ મિત્રોની સાથે બદલાવવાનો ટ્રેન્ડ હતો જેના લીધે ભૈબન્ધ હારે બાજણા પણ થતા. મારી પાસે પોકેમોનના સ્ટીકરોનું જબરદસ્ત કલેક્શન હતું જે પછી એક મિત્રને આપી દીધુ.
ત્યારબાદ જે ટ્રેન્ડ આવેલ તે થોડો ખર્ચાળ હતો. સ્ટીકર કે કાર્ડ લેવામાં 2, 3 કે વધુમાં વધુ 10 રૂપિયાનો ખર્ચ થતો પણ બેબ્લેડ નામનો આધુનિક ભમરડો અને એ જ નામની કાર્ટૂન સિરીઝ અમારા માટે નવતર આકર્ષણ બની ગઈ. શરૂમાં તો બેબ્લેડ ટીવી પર જોવાનું જ બધાને પરવડતું કારણ કે એવા મોટા બેબ્લેડ સ્ટોરમાં 300 થી 500ની એ સમયે માતબર કહેવાતી રકમમાં પડતા. તોય જીદ કરીને મેં એ સમયે બેબ્લેડ ભમરડો ખરીદેલો હતો. પછી થયું એવું કે 10 15 અને 20માં એજ બેબ્લેડની વામન આવૃત્તિઓ સ્ટેશનરી અને રમકડાંની દુકાને ઉપલબ્ધ થવા લાગી અને અમારી બેબ્લેડ પ્રત્યેની ઘેલછાને પોષાય એવો સાકાર થવાનો રસ્તો મળ્યો. પછી તો નિત્યક્રમ બની ગયો. રોજ સાંજે ભાઈલોગ 5 વાગે ભેગા થાય અને 7 વાગા સુધી શેરી રમતો એટલે કે આઉટડોર ગેમ્સ રમે. પછી શરૂ થાય બેબ્લેડના મુકાબલા. પ્લાસ્ટિકના ટબ, મોટી થાળી કે કથરોટને અમે બેબ્લેડના દ્વંદ્વનું મેદાન બનાવતા. જેના બેબ્લેડ જીતે એ વ્યક્તિનો દબદબો કોઈ સેલિબ્રિટીથી જરાય ઉતરે નહીં. એમાંય બંદાતો અલગ કારણોસર પ્રખ્યાત હતા. મિત્રવર્તુળમાં કોઈનું પણ બેબ્લેડ બગડે કે નાની શી ભાંગતૂટ થાય તો આપણે તે રીપેર કરી દેતા. તેના લીધે બંદાની મિત્રોની વચ્ચે બાળઇજનેરની છબી બંધાઈ ગઈ હતી. આ બેબ્લેડ એટલે અગાઉ જેનાથી રમતા તે ગરિયાનું અપડેટેડ વર્ઝન જ સમજી લો ને.
આ બધી ટ્રેંડની ભરતીઓ દરમિયાન ક્રિકેટનો શોખ ધીમે ધીમે પણ મક્કમતાથી ચિત્તમમાં પગપેસારો કરતો હતો. આખરે થયું એવું જ! ક્રિકેટે બાકી બધા ક્રેઝને ધીમે ધીમે નાબૂદ કરી નાખ્યા અને મનમાં તો એવો સજ્જડ ઘેરો ઘાલ્યો કે તેનો કેફ હજી પણ અલ્પમાત્રામાં ચડેલો છે જ. તેની સમાંતરે વાંચનનો શોખ પણ વિકસ્યો અને મિયા ફુસકી, ચંપક-ચંદામામામાંથી વાયા હેરી પોટર થઈને વટવૃક્ષ બની વિસ્તર્યો. પછી પૈસા ખર્ચવાનું ફોક્સ પહેલા બેટ, સ્ટમ્પ, બોલ અને પછી બુક્સ બની રહ્યું. અંતે તો આ બધી શોખ, તમામ ઘેલછાઓએ વ્યક્તિત્વ પર અમીટ છાપ છોડી છે. તેમનો પ્રભાવ જીવનપર્યંત રહેવાનો છે.
પૂર્ણાહુતિ:
ડહાપણ આપણને પાછું બાળપણ તરફ દોરી જાય છે
– બ્લેઝ પાસ્કલ



