લિવરની ગંભીર બીમારી વચ્ચે પણ પરમાર રાજકારણ રમવાનું ભૂલતાં નથી
દેવદત્ત પંડ્યાની તપાસ અધિકારી તરીકે નિમણૂક ન થાય તે માટે કિરીટ-દિનેશ ઊંધા માથે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર હાલ માંદગીના કારણોસર રજા પર છે. શાસનાધિકારીનો ચાર્જ નરેન્દ્ર આરદેસણાને સોંપાઈ ગયો છે, નરેન્દ્ર આરદેસણા શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી છે. આમ છતાં કેટલાક સમયથી રજા પર રહેલા અને મરણ પથારીએ પડેલા કિરીટ પરમાર શિક્ષણ સમિતિની કેટલીક બાબતોમાં પોતાની ચાંચ ડૂબાડવાનું ચૂકતા નથી. ખાસ કરીને મહિલાની પજવણી અને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયેલા દિનેશ સદાદિયાને કિરીટ પરમાર તન-મન-ધનથી મદદરૂપ થઇ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ માટે તેઓ પોતાની રજા અને સ્વાસ્થ્ય કુરબાન કરી ફરજ પર પરત આવવા પણ મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.
હવે ગાંધીનગરમાં રહેલા શિક્ષણ નિયામકમાં આદેશ અનુસાર રાજકોટ શિક્ષણ સમિતિના શિક્ષક અને શિક્ષક મંડળના પ્રમુખ દિનેશ સદાદિયાની ખાતાકીય તપાસ શરૂ થવાની છે, આ ખાતાકીય તપાસમાં દિનેશ-કિરીટના કૌભાંડો ઉઘાડા પડવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે સમગ્ર મામલે ભીનું સંકેલાઈ જાય તે માટે સામ-દામ-દંડ-ભેદ અજમાવી કિરીટ પરમાર દ્વારા દિનેશ સદાદિયાની ખાતાકીય તપાસ કરનાર અધિકારી પોતાના જેવો જ અને પોતાના ગ્રુપનો જ આવે એ માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે. આ માટે આ બેલડીએ કેટલીયે જગ્યાએ પૈસા પાથર્યા હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી બન્યા બાદ કિરીટ પરમારે શિક્ષક મંડળના પ્રમુખ દિનેશ સદાદિયા સાથે મળીને કેટલાય આર્થિક ગોટાળાઓ કર્યા છે. આ ઉપરાંત સાથી કર્મચારીઓને ડરાવવા-ધમકાવવામાં તેઓએ કશું જ બાકી રાખ્યું નથી. હવે જ્યારે કિરીટ પરમાર માંદગીના કારણે મરણ પથારીએ પડ્યા છે અને દિનેશ સદાદિયા સસ્પેન્ડ થઈ ચૂક્યા છે ત્યારે ખાતાકીય તપાસમાં દેવદત્ત પંડ્યા જેવા પ્રામાણિક અને નિષ્પક્ષ અધિકારી આવે તો પરમાર અને સદાદિયાની તમામ પોલ ખુલી આકરા પગલાં લેવાઈ શકે તેમ છે. દિનેશ સદાદિયાની ખાતાકીય તપાસ દેવદત્ત પંડ્યાને ન સોંપાઈ તે માટે મરણ પથારીએ પડેલા કિરીટ પરમાર પોતાના પાવર્સ-પોઝીશન-પૈસાનો ઉપયોગ રાજકોટથી છેક ગાંધીનગર સુધી કરી રહ્યા છે. જોકે ગમે તે ઘડીએ દિનેશ સદાદિયાની ખાતાકીય તપાસ માટેનો ઓર્ડર દેવદત્ત પંડ્યાને સોંપવામાં આવી શકે તેવું જણાય રહ્યું છે.