તાલાલામાં સરદાર સન્માન યાત્રાનું સર્વ સમાજ દ્રારા શાહી સ્વાગત: ઠેરઠેર પુષ્પ વર્ષા
બાર દિવસની સન્માન યાત્રાનું સોમનાથ ખાતે આજે સમાપન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે બારડોલી થી સોમનાથ સુધી પ્રસ્થાન થયેલ 12 દિવસની સરદાર સન્માન યાત્રા ગીરના પાટનગર તાલાલા શહેરમાં પધારતા સર્વ સમાજ દ્વારા શાહી સ્વાગત થયું હતું.
તાલાલામાં માર્કેટિંગ યાર્ડ ખાતે યાત્રાનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાર,તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બારડ,નગરપાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન લક્કડ ઉપરાંત તાલાલા નગરમાં વસવાટ કરતા વિવિધ 28 સમાજના પદાધિકારીઓ તથા તાલાલા પંથકના 34 ગામના અગ્રીમ અગ્રણીઓ અને 24 નિવૃત્ત સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા જીવન સંધ્યા સિનીયર સિટીઝન મંડળ તથા ઉના,ગીર ગઢડા,સુત્રાપાડા તાલુકામાંથી પધારેલા અગ્રણીઓએ સરદાર સન્માન યાત્રાનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.યાત્રાનું આગમન થતાં કળશધારી બાળાઓ તથા એકત્ર થયેલ વિવિધ સમાજના અગ્રણીઓએ પુષ્પ વર્ષા કરી યાત્રાને ઉમળકાભેર વધાવી હતી. તાલાલા થી સોમનાથ જવા રવાના થયેલ યાત્રાએ નગરમાં સરદાર પટેલ સાહેબ,પરશુરામ ભગવાન,ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી વંદન કર્યું હતું.સરદાર સન્માન યાત્રાનાં સ્વાગત કરવા પધારેલ તમાંમ સમાજના મુખ્ય પદાધિકારીઓ,વિવિધ ગામના અગ્રણીઓ તથા નિવૃત્ત સ્વાતંત્ર્ય સેનાનીઓ નું આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.સોમનાથ ખાતે આજે યાત્રાનું સમાપન થયું.
ચિત્રોડ ગીર ગામ પાસે ધારાસભ્યએ યાત્રાનાં વધામણા કર્યા
મેંદરડા થી તાલાલા આવી રહેલ સરદાર સન્માન યાત્રાનું સાસણગીર નજીક ચિત્રોડ ગીર ગામ પાસે ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સન્માન યાત્રાનું સ્વાગત કર્યું હતું.તાલાલા પંથકના પ્રવેશદ્વાર પાસે ધારાસભ્ય એ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પો અર્પણ કરી તાલાલા વિસ્તાર વતી સરદાર સન્માન યાત્રાનાં વધામણા કર્યા હતા.



