ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને શ્યામીભાઈ ચૌહાણે ખાતમુહર્ત કર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
રાજ્યમાં ચોમાસા બાદ અનેક વિસ્તારોમાં ખખડધજ હાલતમાં રોડની નવનિર્માણ કરવાનું શરૂ કર્યું છે ત્યારે રાજ્ય સરકાર આ કામને વિકાસ ગણાવે છે અને વાત પણ સાચી છે ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર લોકોને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા મળે તે વિકાસ કહેવાય પરંતુ આ વિકાસના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ સામે આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક રોડ અને ક્રોઝવેના કામ શરૂ થયા છે જેમાં મોટાભાગે આ નિર્માણના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમરાણો ઉઠવા પામે છે. જેમાં હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામથી સુંદરી ભવાની ગામને જોડતા રોડનું કામ શરૂ કરવા માટે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને શ્યામજીભાઈ ચુહાણના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જે કામ પણ શરૂ કરી દેવાયું છે પરંતુ આ રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે મૂળીના આંબરડી ગામના સરપંચ દ્વારા નિર્માણ થતા રોડની મુલાકાત લેતા રોડ પર સિમેન્ટ માત્ર નામ પુરતી જ નજરે પડી હતી જેથી સરપંચ દ્વારા લગતા વળગતા તંત્રના અધિકારીને જાણ કરતા અધિકારી દ્વારા પણ સરપંચને ઉડાવ જવાબ આપી આડકતરી રીતે ભ્રષ્ટાચારમાં પોતાની ભાગીદારી હોવાનું પ્રમાણ આપ્યું હતું. ત્યારે વર્ષો બાદ નિર્માણ થતા આ રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરતા તકલાદી બની રહેલા રોડ પર આવતા છ મહિનામાં ફરીથી ઉબડ ખાબડ રોડ થઈ જાય અને લોકોને પડતી હલકી યથાવત રહે નહીં તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારમાં ખદબદતા રોડનું ધારાધોરણ મુજબ કામ કરવા માંગ કરી છે.



