તસ્કરોએ એક બાદ એક ચોરીને અંજામ આપી સ્થાનિક પોલીસને પડકાર ફેંક્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ધ્રાંગધ્રા પંથકમાં છેલા એકાદ અઠવાડિયામાં ચારથી પાંચ સ્થળો પર ચોરીની ઘટનાઓ સામે આવી છે જેમાં રામગઢ ગામે, શહેરના જડેશ્વર સોસાયટીના રહેણાંક મકાન ખાતે અને હવે જીવા ગામે પ્રસિધ્ધ મેલડી માતાજીના મંદિર ખાતે તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરી ગયા હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે સુપ્રસિધ્ધ મેલડી માતાજીના મંદિર સાથે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભારે આસ્થા જોડાયેલી છે જેથી આ મંદિરે અનેક ભક્તો દર્શને આવે છે બાધા મુજબ ચાંદીના છતર અને રૂપિયા માનતા ચડાવે છે તેવામાં ગત 4 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે મંદિરના સેવક મંદિરને બંધ કરી બાદમાં વહેલી સવારના સમયે મંદિર ખોલવા માટે જતા મેલડી માતાજીના મંદિરમાં ચડાવેલ ચાંદીના છતર અને દાન પેટી તોડેલી હાલતમાં જીવ મળી હતી જેથી સેવક દ્વારા તાત્કાલિક પોલીસને સંપર્ક કરી જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં સેવક દ્વારા આશરે દસેક જેટલા માતાજીના છતર કિંમત પંદર હજાર તથા બે દાન પેટીમાંથી રોકડ પચીસ હજાર એમ કુલ 40 હજારની મત્તાની ચોરી કરી ગયા હોવાનું જણાવતા પોલીસે હાલ ગુન્હો નોંધી ચોર ઇસમોની તપાસ હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે ધ્રાંગધ્રા પંથકમાં એક બાદ એક મંદિર અને ઘરફોડ ચોરીની ઘટના સામે આવી રહી છે તેમાં પોલીસને તસ્કરો પડકાર ફેંકતા હોય તેવું સ્પષ્ટ સાબિત થાય છે.
ધ્રાંગધ્રા પંથકમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવતા જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા તસ્કરને શોધવા માટેની કવાયત હાથ ધરી હતી જે દરમિયાન જીવા ગામ ખાતે પ્રસિધ્ધ મેલડી માતાજીના મંદિરે ચોરીની ઘટના સામે આવતા ચોરીના ગુન્હાની ભેદ ઉકેલવા એલ.સી.બી ટીમ કામે લાગી હતી આ દરમિયાન જીવા ગામનો બળદેવગીરી મહાદેવગીરી ગોસાઈ રહે: જીવા વાળો ચોરીની સામગ્રી વેચાણ માટેની તૈયારીમાં હોવાની બાતમી મળતા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતના સ્ટાફે શખ્સને ઝડપી લઇ સામગ્રી બાબતે પૂછપરછ કરતા મેલડી માતાજીના મંદિરેથી ચોરી કરવાનું કબુલતા દશ નંગ છતર તથા પચીસ હજાર રૂપિયા રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.



