જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલે કડક એક્શન લેવાશે: કલેકટર
રહેણાક હેતુની જમીનમાં ધમધમતી હતી હોસ્ટેલ, શરત ભંગ મુજબ હોસ્ટેલ સામે થશે કાર્યવાહી
સ્કૂલ સેફ્ટી ગાઈડલાઈન મુજબ પૂરતા સીસીટીવી નથી, પાર્કિંગ નથી, ફાયર એનઓસી નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ માર મારવાની ઘટનાનો વિડીયો વાઈરલ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આકરા પગલાં ભરવામાં આવશે. આ મામલે કલેક્ટરે રચેલી તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યા બાદ જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. કલેક્ટર અને પોલીસ અધિક્ષકે મીડિયા સમક્ષ આ અહેવાલના તારણો જાહેર કરી હોસ્ટેલ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.
તપાસ સમિતિના રિપોર્ટમાં અનેક અનિયમિતતાઓ સામે આવી……
કલેક્ટરના આદેશથી, એસ.ડી.એમ.ની અધ્યક્ષતામાં ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી, બાળ સુરક્ષા અધિકારી અને મનપાના નાયબ કમિશનર સહિતના અધિકારીઓની બનેલી તપાસ સમિતિએ આલ્ફા હોસ્ટેલની સ્થળ મુલાકાત લીધી હતી. આ કમિટીએ હોસ્ટેલના માલિક અને સંચાલકોના નિવેદનો પણ નોંધ્યા હતા. તપાસના અંતે તૈયાર થયેલા રિપોર્ટમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. રહેણાંક હેતુની જમીનમાં કોમર્શિયલ ઉપયોગ: હોસ્ટેલ જે જગ્યા પર ધમધમતી હતી, તે જમીનનો ઉપયોગ રહેણાંક હેતુ માટે કરવાનો હતો, પરંતુ ત્યાં ગેરકાયદેસર રીતે હોસ્ટેલ ચલાવવામાં આવી રહી હતી. આ મામલે શરતભંગ મુજબ કાર્યવાહી થશે.
હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સલામતી માટે જરૂરી ફાયર એન.ઓ.સી. અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નહોતી. સ્કૂલ સેફ્ટી ગાઈડલાઈન મુજબ પૂરતા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નહોતા. વિદ્યાર્થીને માર મારવાની ગંભીર ઘટના અંગે હોસ્ટેલના સંચાલકો દ્વારા પોલીસ કે અન્ય કોઈ સરકારી તંત્રને જાણ કરવામાં આવી નહોતી.આ ગંભીર બેદરકારી બદલ પોલીસ દ્વારા આલ્ફા હોસ્ટેલના સંચાલક અને માલિક સામે જાહેરનામાના ભંગ અને ગંભીર ગુનાની માહિતી છુપાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવશે. તંત્રના જણાવ્યા અનુસાર, આવા સંચાલકોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આવેલી તમામ હોસ્ટેલની તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવશે. આ ટીમો દરેક હોસ્ટેલની ફાયર સેફ્ટી, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરશે. વધુમાં, હોસ્ટેલોના સંચાલન માટે હાલમાં કોઈ ચોક્કસ એસ.ઓ.પી. (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ન હોવાથી, તંત્ર દ્વારા તે તૈયાર કરવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે. આ પગલાંથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવાનો તંત્રનો
હેતુ છે.



