ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની 120મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો હતો.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધ્યક્ષ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કુલપતિએ મેજર ધ્યાનચંદને યાદ કરીને જણાવ્યું હતું કે, સાચું સ્વાસ્થ્ય માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક સ્વસ્થતા પણ માંગે છે. તેમણે યુનિવર્સિટી દ્વારા ત્રણ દિવસીય રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીની જાહેરાત કરી, જેનો હેતુ યુવાનોને રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો છે. પ્રો. ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું કે રમતગમત વિદ્યાર્થીઓમાં સમૂહભાવના, સાહસ, આત્મવિશ્વાસ, યાદશક્તિ અને એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ કરે છે. આ ઉપરાંત, રમતગમતથી બાળકોની એકલતા અને ચીડિયાપણું દૂર થાય છે. તેમણે મેજર ધ્યાનચંદના 22 વર્ષના કારકિર્દીમાં કરેલા 400 આંતરરાષ્ટ્રીય ગોલની સિદ્ધિઓને યાદ કરીને યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રો. જયસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ સેલના સલીમભાઈ સીડા અને નિરવ કરડાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.



