ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન
દર બીજે-ત્રીજે દિવસે કશુંક નવું ગતકડું ન કરે તો ડોનાલ્ડ ટ્રમ્પ શાના? તાજેતરમાં તેમણે અમેરિકા-મેક્સિકો સરહદે બનાવાયેલી સંરક્ષણ દીવાલને કાળા રંગે રંગવાનો આદેશ આપ્યો છે. તેમનું માનવું છે કે, કાળો રંગ સૂર્યની ગરમીને વધુ માત્રામાં સંગ્રહ કરતો હોવાથી કાળી દીવાલ વધુ ગરમ થશે અને ઘૂસણખોરો એના પર ચઢીને સરહદ ઓળંગી નહીં શકે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે 19 ઑગસ્ટના રોજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘આ પગલું ‘ટ્રમ્પની ઇચ્છા’ મુજબ લેવામાં આવી રહ્યું છે. કાળો રંગ દીવાલને ગરમ બનાવીને તેના ઉપર ચઢવાનું મુશ્ર્કેલ બનાવશે.’ જો કે, નિષ્ણાતોની દલીલ છે કે આ માત્ર ભૌતિક અવરોધ નથી, પરંતુ માનસિક દમન પણ છે. આ એક પ્રતીકાત્મક સંદેશ છે કે, ‘અમેરિકા હવે વધુ કડક બન્યું છે.’ દીવાલને કાળા રંગે રંગવાનો વિચાર સરહદ પાર કરવા ઇચ્છતા લોકોને એવો સંદેશ આપવા માટે છે કે હવે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવો અશક્ય છે.
- Advertisement -
અમેરિકન જનતામાં આ મુદ્દે વિભાજન જોવા મળે છે. ટ્રમ્પના સમર્થકો માને છે કે કડક નીતિ જ ઘૂસણખોરી રોકવાનો એકમાત્ર રસ્તો છે. જ્યારે પ્રગતિશીલ વર્ગ માને છે કે અમેરિકાની ઓળખ હંમેશાં ‘ઇમિગ્રન્ટ્સના દેશ’ તરીકેની રહી છે, અને ટ્રમ્પની કડક નીતિ એ મૂલ્યોને નષ્ટ કરે છે. એક સર્વે મુજબ રિપબ્લિકન મતદારોમાં 75% લોકો આ નિર્ણયનું સમર્થન કરે છે, જ્યારે ડેમોક્રેટિક સમર્થનમાં આ આંકડો 20%થી પણ ઓછો છે.
અમેરિકન રાજકારણમાં સરહદ સુરક્ષા હંમેશથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. 1990ના દાયકામાં બિલ ક્લિન્ટનના સમયમાં ‘ઓપરેશન ગેટકીપર’ દ્વારા સરહદી સુરક્ષા પર ભાર મૂકાયો હતો. જ્યોર્જ ડબલ્યુ. બૂશના કાર્યકાળમાં 9/11 બાદ રાષ્ટ્રીય સુરક્ષાના નામે સરહદો પર નિયંત્રણ કડક બન્યું હતું. પરંતુ ટ્રમ્પે તો દીવાલને પોતાની રાજકીય ઓળખ જ બનાવી છે. તેમની ચૂંટણી સભાઓમાં ‘બિલ્ડ ધ વોલ’ એ સૌથી લોકપ્રિય નારો હતો. હવે, દીવાલને કાળો રંગ કરાવવાની જાહેરાત એ જ રાજકીય વારસાને ફરી જીવંત કરવાનો પ્રયાસ ગણાવાઈ રહ્યો છે.