ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જનરલ બોર્ડમાં ત્રણ નવા ટાઉન પ્લાનિંગ ઓફીસર ફાઈનલ કરવા અને તત્કાલિન ઓફીસર એમ.ડી.સાગઠિયા સામે નાણાકીય હેરફેરનો ગુનો નોંધી કાર્યવાહી કરવા ઈડીને મંજૂરીના ઠરાવને બહાલી અપાઈ છે. ભારત સરકારના પ્રવર્તન નિર્દેશાલય (ઇડી) વિભાગ દ્વારા અગ્નિકાંડ બાદ નોંધાયેલા ગુના, એસીબીના કેસ પરથી ધરપકડ કરાયેલા અધિકારી એમ.ડી.સાગઠીયા સામે તપાસ થશે. શહેરી વિકાસ વિભાગે આ અંગે પત્ર મોકલ્યો છે. તેઓ વર્ગ-1ના અધિકારી હોવાથી સ્ટે. અને જનરલ બોર્ડની બહાલી લેવાની જોગવાઇ છે. ત્યારે સ્ટે.કમીટી બાદ જનરલ બોર્ડમાં પણ બહાલી આપી દેવામાં આવી છે.
એમ.ડી. સાગઠીયા રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ-1ના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓની નિમણુંક કરવાની સત્તા સામાન્ય સભાને હતી. જેના કારણે તેઓની સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ પ્રોસીક્યુશનની કામગીરી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની મંજૂરી લેવી જરૂરી છે. જે સંદર્ભે દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂરી મળી છે. આ સાથે કેટલાક નેતાઓ, મોટા ગજાના બિલ્ડરો અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. આગામી દિવસોમાં આ ઘટનામાં મોટા કડાકા-ભડાકા થવાની પણ શક્યતા નકારી શકાતી નથી.