નેશનલ હાઈવે ડિવિઝન દ્વારા રાજકોટથી ચોટીલા સુધીનાં રસ્તાનું સમારકામ કરાયું
વોર્ડ-6માં રોડનાં ગાબડાં, તૂટેલી કિનારીઓનું રીપેરિંગ કરાયું: ધોરાજીથી પાટણવાવ જતાં રસ્તા પર પેવીંગ બ્લોક નખાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નેશનલ હાઈવે ડિવિઝન રાજકોટ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રાજકોટથી ચોટીલા સુધીનાં રસ્તામાં પડેલા ખાડાઓને ડામરથી રીપેર કરવામાં આવ્યા હતા. રાજકોટથી ચોટીલા તરફ જતો રસ્તો ખૂબ જ મહત્વનો છે. ત્યારે આ રસ્તાને રીપેર કરાતા નાના મોટા તમામ વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નહીં પડે.
રાજકોટના વોર્ડ-06માં નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીના નિરીક્ષણમાં શાળા નંબર-13 પાસે રોડની તૂટેલી સાઈડના રીપેરિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત પેડક રોડ પર રોડ સાઈડમાં પડી ગયેલા ખાડા તેમજ ચંપકનગર શેરી નંબર-4માં પડેલા ખાડા-ગાબડાંના મરામતની કામગીરી કરવામાં આવી હતી. ધોરાજીથી પાટણવાવ જતો રસ્તો પ્રવાસીઓને ઓસમ ડુંગર જેવા મહત્વના સ્થળની મુલાકાત લેવામાં મહત્વનો ભાગ ભજવે છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોરાજીથી પાટણવાવ જતાં રસ્તા પર પડેલા ખાડાઓમાં પેવીંગ બ્લોક નાખીને સિમેન્ટથી રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



