સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ અભિયાન’ હેઠળ સ્વસ્થ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ ગાંધીનગર ખાતે અમદાવાદ ઝોન કક્ષાનો પોષણ ઉત્સવ-2024 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક નાગરિક, ખાસ કરીને બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણને સુનિશ્ર્ચિત કરવા માટે નવીન અને પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. પોષણ અભિયાન માત્ર આરોગ્યલક્ષી નહીં પરંતુ ગુજરાતની ભાવિ પેઢીને સશક્ત બનાવવાનું એક અભૂતપૂર્વ પગલું છે. સમાજના દરેક વર્ગ સુધી પોષણની પહોંચ સુનિશ્ર્ચિત કરી ગુજરાત સરકારે આ ક્ષેત્રે દેશભરમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
- Advertisement -
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતે ‘આહાર એ જ ઔષધ’ એ મંત્રને સાકાર કરતાં ‘પોષણ ઉત્સવ’ થકી બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવા માટે નોંધનીય કામગીરી કરી સમગ્ર દેશ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉત્સવ થકી વધુ ને વધુ લોકોને પોષણ યજ્ઞમાં જોડાવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના વિકસિત ભારતની સંકલ્પનાને પૂર્ણ કરવા ભાગીદાર થવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, મહિલા અને બાળ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર-વ-સચિવ રાકેશ શંકર, મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ કમિશનર ડો. રણજીતકુમાર સિંહ, સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મુખ્યસેવિકા, વાલીઓ, કિશોરીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



